પશ્ચિમ રેલવેના રાજકોટ રેલ ડિવિઝને ઊર્જા કાર્યક્ષમતા અને પર્યાવરણ સંરક્ષણ ક્ષેત્રે એક મોટી રાષ્ટ્રીય સિદ્ધિ હાંસલ કરી છે. વર્ષ 2025-26 માટે બ્યુરો ઓફ એનર્જી એફિશિયન્સી (BEE) દ્વારા રાજકોટ ડિવિઝનની 5 ઇમારતોને પ્રતિષ્ઠિત ‘શૂન્ય (Shunya)’ અને ‘શૂન્ય પ્લસ (Shunya Plus)’ લેબલ એનાયત કરવામાં આવ્યા છે. આ સિદ્ધિ ડિવિઝનલ રેલ પ્રબંધક ગિરિરાજ કુમાર મીનાના માર્ગદર્શન અને વરિષ્ઠ ડિવિઝનલ વિદ્યુત ઇજનેર (પાવર) રજની યાદવ તથા તેમની ટીમના સમર્પિત પ્રયાસોનું પરિણામ છે.
આધુનિક ટેકનોલોજી અને સોલાર પાવરનો ઉપયોગ
ડિવિઝન દ્વારા રેલવે પરિસરોમાં ઊર્જા બચત માટે અનેક આધુનિક પગલાં લેવામાં આવ્યા છે. આ ઇમારતોમાં BLDC પંખા, સંપૂર્ણ LED લાઇટિંગ સિસ્ટમ અને 5-સ્ટાર રેટેડ વિદ્યુત ઉપકરણોનો ઉપયોગ કરવામાં આવ્યો છે. ઊર્જાના સ્વચ્છ ઉત્પાદન માટે રૂફટોપ સોલાર પ્લાન્ટ્સ અને સોલાર વોટર હીટર સ્થાપિત કરવામાં આવ્યા છે. ખાસ કરીને, પ્રકાશ વ્યવસ્થાના ચોકસાઈપૂર્વક નિયંત્રણ માટે ‘Astronomical Timers’ લગાવવામાં આવ્યા છે, જે સૂર્યાસ્ત અને સૂર્યોદય મુજબ આપમેળે લાઇટિંગનું સંચાલન કરે છે.
સ્માર્ટ ઊર્જા મોનિટરિંગ અને કુદરતી હવા-પ્રકાશના મહત્તમ ઉપયોગને કારણે કુલ ઊર્જા વપરાશમાં નોંધપાત્ર ઘટાડો નોંધાયો છે. આ પહેલથી કાર્બન ઉત્સર્જનમાં ઘટાડો થશે અને ભારતીય રેલવેની “ગ્રીન અને સસ્ટેનેબલ ટ્રાન્સપોર્ટ” ની કલ્પના સાકાર થશે. આ રાષ્ટ્રીય માન્યતા રાજકોટ ડિવિઝનની પર્યાવરણ પ્રત્યેની પ્રતિબદ્ધતાને વધુ મજબૂત બનાવે છે.