રાજકોટ રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર 4 પર ઉનાળાની કાળઝાળ ગરમીમાં ખુલ્લા પ્લેટફોર્મમાં મુસાફરોને તડકામાં શેકાવું પડે છે. ટ્રેનની મુસાફરી માટે પ્લેટફોર્મ નં. 4માં શેડની સુવિધા નહીં હોવાથી ટ્રેનની રાહ જોતા મુસાફરો તડકે ઊભા રહેવું પડે છે. આ પ્લેટફોર્મમાં પંખા, લાઇટ, પાણી, શૌચાલયની એક ભાગમાં જ સુવિધા છે. પૂરતી પ્રાથમિક સુવિધા નહીં હોવાથી મુસાફરોને હાલાકી ભોગવવી પડી રહી છે. હાલ ધોમધખતા તાપમાં મુસાફરો બપોરે તડકાથી બચવા બ્રિજ નીચે ઊભવા મજબૂર બન્યા છે. જોકે, આ પ્લેટફોર્મ પર સુવિધાઓ ઊભી કરવા માટે ટેન્ડર પ્રક્રિયા કરી લેવામાં આવી હોવાનું સામે આવ્યું છે.
કેન્દ્ર સરકારનાં રેલવે મંત્રાલય દેશભરના રેલવે સ્ટેશનોનાં પુન: નિર્માણ માટે અબજો-કરોડોનો પ્રોજેક્ટ અમલમાં મૂક્યો છે. ત્યારે રાજકોટ રેલવે જંકશન ખાતે મુસાફરોને સુવિધાઓ મળતી નથી. છેલ્લા છ માસથી પ્લેટ ફોર્મ નંબરોમાં ફેરફાર કરી પ્લેટ ફોર્મ નં. 6ને 4 નંબર અપાયો છે. જોકે, આ 4 નંબરના પ્લેટફોર્મમાં શેડ નથી. તો પંખા, લાઇટ, પાણી, શૌચાલય જેવી સુવિધા એક જ સાઈડમાં રહેલી છે. જેના કારણે મુસાફરોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે.
સમગ્ર મામલે રેલવે તંત્રનાં જવાબદાર અધિકારીએ જણાવ્યું હતું કે, પશ્ચિમ રેલવેનાં નોર્મ્સ મુજબની સુવિધા પ્લેટફોર્મ નંબર 4 ઉપર ઉપલબ્ધ છે. જેમાં 260 મુસાફરો બેસી શકે તેવી વ્યવસ્થા, લાઈટ, ટોયલેટ, પીવાનાં પાણીની ફેસિલિટી, કોચ ઇન્ડિકેટર અને એનાઉન્સમેન્ટ ફેસિલિટી આ પ્લેટફોર્મ ઉપર છે. તેમજ બાકીની વ્યવસ્થાઓ અને શેડ બનાવવા માટેની ટેન્ડર પ્રક્રિયા પણ ગત 5 એપ્રિલનાં રોજ કરવામાં આવી ચૂકી છે. ત્યારે ટૂંક સમયમાં આખા પ્લેટફોર્મ પર પૂરતી સુવિદ્યા શરૂ થશે. હાલ આ પ્લેટફોર્મ પર માત્ર અમુક ટ્રેનો જ ચાલે છે. જોકે, કોઈપણ રેલવે સ્ટેશનમાં એક પ્લેટફોર્મ પર હોય તેવી બધી સુવિધા બધા પ્લેટફોર્મ પર હોય તે જરૂરી નથી. જરૂરી હોય તેવી તમામ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા માટે તંત્ર કટિબદ્ધ છે.