રાજકોટ રૂપાણીનું ઋણી, વિકાસના સ્વપ્નદૃષ્ટા ગુમાવ્યા

વિજય રૂપાણી રાજ્યના મુખ્યમંત્રી બન્યા તે પહેલાં રાજકોટનો વિકાસ ખૂબ જ ધીમો ચાલતો હતો. જોકે વિજયભાઈએ શપથ લીધા બાદ રાજકોટમાં આમૂલ પરિવર્તન આવ્યું હતું. તેમણે પોતાના શહેર માટે શક્ય એટલો વિકાસ ધપાવી રાજ્યના અન્ય મહાનગરો એટલે કે અમદાવાદ અને સુરત જેવી સ્થિતિ કરવી હતી. આ જ કારણે તેમણે એક પછી એક મોટા પ્રોજેક્ટ રાજકોટમાં લાવવા માટે પ્રયત્નો કર્યા હતા.

ફક્ત મોટા પ્રોજેક્ટ જ ગણીએ તો રાજકોટને 6000 કરોડ રૂપિયાના વિકાસકાર્યોની ભેટ મળી હતી જે આજે રાજકોટ શહેર માટે માઈલસ્ટોન બન્યા છે. આરોગ્યક્ષેત્રે સૌથી મહત્ત્વની સંસ્થા એઈમ્સ છે. આ એઈમ્સનું એક કેન્દ્ર ગુજરાતમાં મંજૂર થયું હતું અને રૂપાણીએ તે રાજકોટને મળે તે માટે કેન્દ્ર સુધી પ્રયત્ન કર્યા હતા અને તે આખરે સ્વપ્ન સાકાર થયું. 1200 કરોડ રૂપિયાના ખર્ચે એઈમ્સ બનીને તૈયાર છે અને હવે ત્યાં સુપર સ્પેશિયાલિટી શરૂ કરવાની તૈયારીઓ ચાલી રહી છે.

આ જ રીતે નવા ઈન્ટરનેશનલ એરપોર્ટ બનાવવાની જાહેરાત થઈ ત્યારે પણ તે કેન્દ્રનો પ્રોજેક્ટ રાજકોટના ફાળે આવ્યો અને 1400 કરોડ રૂપિયાના ખર્ચે નવું એરપોર્ટ તૈયાર થયું. આવા કેન્દ્રના પ્રોજેક્ટ ઉપરાંત જ્યારે સ્માર્ટ સિટીની ગણતરી થઈ ત્યારે પણ રાજકોટને તે યાદીમાં ઉમેરી દેવાયું. આ કારણે આ જ સુધીમાં સ્માર્ટ સિટી પ્રોજેક્ટ અંતર્ગત 2600 કરોડ રૂપિયાના કામો થયા છે. એક સમયે રાજકોટમાં ઓવરબ્રિજ ફક્ત એકાદ બે હતા તે સમયે ટ્રાફિક સમસ્યા સામે લડવા એક બે નહિ પણ પાંચ પાંચ બ્રિજ મંજૂર કર્યા હતા. હોસ્પિટલ ચોકમાં ઓવરબ્રિજ બની જવાને કારણે હાલ ત્યાં ટ્રાફિક સમસ્યા શૂન્ય થઈ ગઈ છે.

આ જ રીતે કેકેવી ચોકમાં બ્રિજ પર બ્રિજ, નાનામવા સર્કલ, કાલાવડ રોડ જડ્ડુસ ચોક, રામાપીર ચોકડીએ પણ બ્રિજ બનાવીને 150 ફૂટ રિંગ રોડ અને કાલાવડ રોડ પર વાહનો ઝડપથી અંતર કાપે અને ટ્રાફિક ન થાય તેવી વ્યવસ્થા થઈ છે. આ તો ફક્ત મેજર પ્રોજેક્ટ જ છે જેનો આંકડો 6000 કરોડ કરતા પણ વધી જાય છે. આ સિવાય રાજકોટ મહાનગરપાલિકાને અલગ અલગ કામો માટે ગ્રાન્ટ હોય કે પછી રાજકોટ જિલ્લા પંચાયતમાં વિકાસ કાર્યો હોય કે પછી સૌની યોજના હેઠળ સૌરાષ્ટ્રમાં નેટવર્ક ઊભું કરવાનું હોય તેમાં રૂપાણીએ પાછી પાની કરી જ ન હતી. તેનું જ કારણ છે કે આજે રાજકોટ શહેર અને જિલ્લો ઘણો વિકસી શક્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *