હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી વચ્ચે રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં ભરઉનાળે વરસાદ વરસતા ધરતીપુત્રોની ચિંતામાં વધારો થયો છે. રાજકોટ શહેરમાં કરા અને ભારે પવન સાથે વરસાદ વરસતા રસ્તાઓ પર પાણી વહેતા થયા હતા. સાંજે 5 વાગ્યાના અરસામાં અંધાર છવાતા શહેરમાં વિઝિબિલિટી ઘટી હતી. વાહનચાલકોએ દિવસે લાઈટ ચાલુ કરવાની ફરજ પડી હતી. શહેરમાં બે કલાકમાં દોઢ ઈંચ વરસાદ ખાબકતા રસ્તા પર જળબંબાકારના દૃશ્યો જોવા મળ્યા હતા.
ઉલ્લેખનીય છે કે હવામાન વિભાગ દ્વારા રાજકોટ સહીત સમગ્ર સૌરાષ્ટ્રમાં વરસાદ અને ભારર પવનની આગાહી ત્રણ દિવા માટે કરવામાં આવી હતી જેના પગલે સૌરાષ્ટ્રના તમામ માર્કેટીબાગ યાર્ડને એલર્ટ કરી ખેડૂતોને ત્રણ દિવસ પાક વેચાણ માટે ન લાવવા તેમજ યાર્ડની અંદર ખુલ્લામાં જણસી ન રાખવા સૂચના આપવામાં આવી હતી.
ગોંડલ તાલુકાના સુલતાનપુર ગામે દેગામાં પરિવાર દ્વારા માતાજીના માંડવાનું આયોજન કરાયું. જેમાં અચાનક ભારે પવન ફૂંકાતા મંડપ ઉડી જાય તેવી સ્થિતિ સર્જાઈ હતી. પરંતુ ઉપસ્થિત લોકોએ મંડપને ચારેબાજુથી પકડી રાખ્યો હતો.