રાજકોટનાં બેડી માર્કેટિંગ યાર્ડમાં માર્ચ એન્ડિંગની રજા પૂર્ણ થયા બાદ વિવિધ જણસીઓની આવકમાં સતત વધારો નોંધાઈ રહ્યો છે. કૃષિ સીઝન બરાબર જામતા શિયાળુ પાકના ઢગલા થઇ રહ્યા છે ત્યારે આજે પણ બેડી યાર્ડ વિવિધ કૃષિ જણસીઓથી ઉભરાયું હતું અને ઘઉં તેમજ ચણાની રેકોર્ડબ્રેક આવક નોંધાઈ હતી. યાર્ડમાં આજે માત્ર ઘઉંની જ પોણા બે લાખ મણ (35000 ક્વીંટલ)ની આવક થઇ હતી. જ્યારે ચણાની એક લાખ મણની આવક નોંધાઈ હતી. રાતથી જ ખેડૂતો વાહનો લઈને આવી જતા 9 કિલોમીટર લાંબી લાઈનો જોવા મળી હતી.
હરાજીમાં ઘઉં લોકવન રૂ. 474થી 538 તથા ઘઉં ટુકડા રૂ.502થી 580ના ભાવે વેચાયા હતાં. આ ઉપરાંત ચણાની પણ મોટી આવક થતા એક લાખ મણ ચણા ઠલવાયા હતા. જેમાં સફેદ ચણામાં રૂ.1600થી 2250ના ભાવે હરાજી થઇ હતી. જંગી આવક થતી હોવાને કારણે ચણા પીળા તથા ચણા સફેદની વારાફરતી એકાંતરે હરાજી કરવામાં આવી રહી છે. વિવિધ જણસીઓની ભરપૂર આવક હોવાથી માલ ભરેલા વાહનોના પણ થપ્પા થઇ રહ્યા છે.