માવઠા અને અસ્થિર વાતાવરણ બાદ મંગળવારે રાજકોટ માર્કેટ યાર્ડમાં કૃષિ ઉપજની આવકમાં જબરદસ્ત ઉછાળો નોંધાયો હતો. ખાસ કરીને ઘઉંની આવકે તમામ રેકોર્ડ તોડી નાખતા વેપારીઓ અને ખેડૂત વર્ગમાં ઉત્સાહ છવાયો હતો. 1400થી વધુ વાહન યાર્ડમાં પહોંચતા સમગ્ર યાર્ડ માલના ઢગલાઓથી છલકાઈ ઉઠ્યું હતું.
મંગળવારે માત્ર એક જ દિવસે આશરે 1.50 લાખ મણ ઘઉંની આવક નોંધાઈ છે, જે ચાલુ સિઝનની સૌથી વધુ ગણાઈ રહી છે. અનુકૂળ હવામાનના કારણે ખેડૂતો કોઈ ખચકાટ વિના પોતાના પાક યાર્ડમાં લાવવા લાગ્યા છે. ઘઉં ઉપરાંત ધાણા 80 હજાર મણ, તુવેર 15 હજાર મણ અને જીરું 12 હજાર મણની આવક પણ નોંધપાત્ર રહી હતી. મગફળી 4200 મણ, રાઇડો 5000 મણ, વટાણા 6100 મણ, મેથી 14 હજાર મણ અને લસણ 4600 મણની આવક સાથે યાર્ડમાં વેપાર ધમધમતો બન્યો છે. હાલની પરિસ્થિતિએ દર્શાવ્યું છે કે વાતાવરણ સુધરતાં જ બજારમાં ચેતના પરત ફરી છે.