રાજકોટ માર્કેટ યાર્ડમાં હોળીના તહેવારો તેમજ માર્ચ એન્ડિંગની રજાઓ નજીક આવી રહી છે. આ પૂર્વે હાલ શિયાળુ પાકના ઢગલા થવા લાગ્યા છે. તમામ માલ વેચાતો નહીં હોવાને કારણે આવકો અટકાવવાની ફરજ પડી રહી છે. જે અંતર્ગત હાલ ચણા-ધાણા-જીરૂ જેવી વસ્તુઓની આવક બંધ રાખવામાં આવી છે. તો આજે ઘઉંની છૂટ અપાતા જ ઢગલા થયા હતાં અને એક જ દિવસમાં 22,000 ક્વિન્ટલ એટલે કે, 1.10 લાખ મણની આવક નોંધાઈ હતી. હોળાષ્ટક બાદ આવકોમાં હજુ પણ વધારો થવાની શક્યતા છે.
મળતી માહિતી અનુસાર સામાન્ય રીતે હોળી-ધુળેટી બાદ આવકોના ઢગલા થતાં હોય છે. તેના બદલે આ વખતે આવકોએ વહેલું જોર પકડી લીધું છે. યાર્ડમાં છેલ્લા બે દિવસથી પડતર માલનો નિકાલ કરવા ઘઉંની આવક રોકવામાં આવી હતી. જેની આજે છુટ અપાતાની સાથે ઘઉંના ઢગલા થયા હતા અને 1.10 લાખ મણ ઘઉંની આવક થઇ હતી. જેમાં લોકવનમાં 472થી 530 અને ટુકડામાં 508થી 620ના ભાવ હરાજીમાં પડ્યા હતાં. હાલ ઘઉં ઉપરાંત જીરૂ, ચણા, ધાણા, તુવેર જેવી ચીજોની સિઝન જોરમાં છે. જેને કારણે હોળાષ્ટક ઉતર્યા બાદ આવકો હજુ વધે તેવી અટકળો વ્યક્ત કરવામાં આવી રહી છે.
માર્કેટ યાર્ડના ચેરમેન જયેશ બોઘરાએ જણાવ્યું કે, ઘઉં સહિતની કૃષિ જણસીઓ સાથેના 500થી વધુ વાહનો ખડકાયા હતા. યાર્ડમાં લાઇનબંધ ઉભા રખાવીને માલ ઉતારવાની વ્યવસ્થા કરવામાં આવી હતી. સીઝનને કારણે મોટી આવક અપેક્ષિત હતી. તેને ધ્યાને રાખીને યાર્ડ દ્વારા આગોતરી વ્યવસ્થા કરવામાં આવી હતી. આજે ઘઉંની આવક શરૂ કરવાની છૂટ આપવામાં આવી હતી. જોકે ચણા, જીરું, ધાણા-ધાણીમાં પડતર માલ હોવાને કારણે નવી આવક બંધ રખાઇ હતી. જેમાં ચણા પીળાના 990થી 1132, ધાણામાં 1250થી 1870, ધાણીમાં 1430થી 2421 તેમજ જીરૂમાં 4200થી 4750ના ભાવ બોલાયા હતા. તેમજ કપાસ, મગફળી, લસણ, મેથી, રાડો જેવી અન્ય જણસીઓની પણ સારી આવક નોંધાઈ હતી.