રાજકોટ-મોરબી IT દરોડોમાં 300 કરોડના બિનહિસાબી વ્યવહાર મળ્યા

મોરબી-રાજકોટના જાણીતા લેવીસ, લીવા અને મેટ્રો ગ્રુપ સહિતના સિરામિક ઉદ્યોગ સાથે સંકળાયેલા 47 સ્થળો પર ઈન્કમટેક્સ વિભાગ દ્વારા છેલ્લા 4 દિવસથી ચાલી રહેલા દરોડા હવે અંતિમ તબક્કામાં છે. દરોડામાં અત્યાર સુધીમાં રૂ. 300 કરોડથી વધુના બિનહિસાબી વ્યવહારોનો પર્દાફાશ થયો છે, જે કરચોરીના એક મોટા રેકેટને ઉજાગર કરે છે. આ દરોડા આવતીકાલે સવાર સુધીમાં પૂરા થવાની શક્યતા છે.

સૂત્રો દ્વારા મળેલી માહિતી અનુસાર, સિરામિક ગ્રુપના સંચાલકોએ મોટા પાયે કરચોરી કરી હોવાની કબૂલાત કરી છે. આ કબૂલાત બાદ હવે હિસાબોની વિગતવાર ચકાસણી અને કરચોરીની રકમ નક્કી કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. ઇન્વેસ્ટિગેશન વિંગ દ્વારા લેવાયેલા આ પગલાથી ઉદ્યોગ જગતમાં ખળભળાટ મચી ગયો છે. દરોડા દરમિયાન, 25 જેટલા રહેણાંક સ્થળો, 5 ઓફિસ અને બાકીના ફેક્ટરી યુનિટ્સ પર સર્ચ ઓપરેશન ચલાવવામાં આવ્યું હતું. આ કાર્યવાહીમાં એકસાથે અનેક ટીમો દ્વારા તપાસ કરવામાં આવતા, કરચોરોને છુપાવવાનો મોકો મળ્યો ન હતો.

3 લોકર ખોલાયા, 50 લાખની જ્વેલરી જપ્ત આ તપાસ દરમિયાન, ઈન્કમટેક્સ વિભાગને કુલ 25 જેટલા લોકર મળી આવ્યા હતા. જેમાંથી અત્યાર સુધીમાં 3 લોકર ખોલવામાં આવ્યા છે. આ લોકરમાંથી 50 લાખ રૂપિયાની કિંમતની જ્વેલરી મળી આવી હતી, જેને તાત્કાલિક સીઝ કરવામાં આવી છે. બાકીના 22 લોકર ખોલવાની પ્રક્રિયા આગામી બે દિવસમાં હાથ ધરવામાં આવશે, જેનાથી વધુ ચોંકાવનારી વિગતો સામે આવવાની સંભાવના છે. આ લોકરનું લિસ્ટ અને ચકાસણી માટેનો રિપોર્ટ રાજકોટ વિંગને મોકલી દેવામાં આવ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *