રાજકોટ એસટી વિભાગને 2025નું વર્ષ ફળ્યું હોય તેમ રૂ.2.22 અબજની આવક થઈ હતી. રાજકોટ, મોરબી અને સુરેન્દ્રનગર જિલ્લામાં ગત વર્ષે જાન્યુઆરીથી ડિસેમ્બર સુધીમાં એસટી બસની 11.10 લાખ ટ્રિપ દોડી હતી. જેમાં 3.94 કરોડ મુસાફરોએ મુસાફરી કરી હતી. જ્યારે એડવાન્સ બુકિંગ થકી રૂ.48.84 કરોડની આવક થઇ છે. જેથી હજુ પણ ઓનલાઇન ટિકિટ બુકિંગને ઓછુ પ્રાધાન્ય આપતા હોય તેવું ચિત્ર છે. જેથી રાજકોટ એસટીના વિભાગીય નિયામક દ્વારા રાજકોટ શહેરના 3 સહિત 7 જગ્યાએથી લોકો ટિકિટ બુકિંગ કરાવી શકે તે માટેની સુવિધા ઉભી કરવાનું આયોજન છે.
રાજકોટ એસટીના વિભાગીય નિયામક હિમાંશુ જોષીએ જણાવ્યું હતું કે, વર્ષ 2025 માં દરરોજ 438 શેડ્યુલ અને 1.11 લાખ ટ્રિપનું સંચાલન થયું હતું. જેમાં 3.94 કરોડ મુસાફરોએ મુસાફરી કરતા તેના થકી રૂ. 222.69 લાખની આવક થઈ હતી. જેમાં એસટી બસ 73.90 લાખ કિલોમીટર દોડી હતી. આ સાથે જ મુસાફરો ટેકનોલોજી તરફ વળ્યા હોય તેમ ઓનલાઈન ટિકિટ બુક કરાવે છે અને એસટી બસમાં 60 દિવસ પહેલા એડવાન્સ બુકિંગ થઈ શકે છે. જેનો લાભ મુસાફરોએ લીધો હતો. જેથી વિભાગને ઓનલાઇન રિઝર્વેશન થકી રૂ.48.84 લાખની આવક થઈ હતી. દરરોજ અઢી લાખ મુસાફરો ઓનલાઇન ટિકિટ બુકિંગ કરાવે છે.