રાજકોટ-મોરબીના 2.25 લાખ ખેડૂતોને દિવાળી ભેટ

સમગ્ર સૌરાષ્ટ્રમાં તાજેતરમાં પડેલા અતિભારે કમોસમી વરસાદને કારણે અનેક વિસ્તારમાં અતિવૃષ્ટિ સર્જાઈ છે. ત્યારે હરહંમેશ ખેડૂતોની સાથે ઊભી રહેતી રાજકોટ જિલ્લા સહકારી બેંકના ચેરમેન અને જેતપુરના ધારાસભ્ય જયેશ રાદડિયા તથા બેંકના તમામ ડિરેક્ટરોએ આ કપરા સમયમાં રાજકોટ તથા મોરબી જિલ્લાના બેંક સાથે જોડાયેલા ખેડૂતો માટે મહત્ત્વપૂર્ણ જાહેરાત કરી છે. બેંક દ્વારા રૂપિયા 1000 કરોડ લોન 0 ટકા વ્યાજે 1 વર્ષ માટે આપવાની જાહેરાત કરી છે.

એમાં હેક્ટરદીઠ 10 હજાર રૂપિયા અને વધુમાં વધુ 5 હેક્ટર પર લોન મેળવી શકશે, એટલે કે એક ખેડૂત વધારેમાં વધારે 50 હજાર રૂપિયાની લોન લઈ શકશે, જે એક વર્ષના અંતે પરત કરવાની રહેશે. ઉલ્લેખનીય છે કે ખેડૂતોએ આ લોન મેળવવા માટે કોઈ જ પ્રકારના જામીન આપવાના રહેશે નહિ અને ખેડૂતોને 1000 કરોડની ઝીરો ટકા લોન આપવાને કારણે બેંકને 100 કરોડ રૂપિયાનો બોજો પડશે.

બેંકના ચેરમેન જયેશ રાદડિયાએ જણાવ્યું હતું કે રાજકોટ ડિસ્ટ્રિક્ટ બેંકના કાર્યક્ષેત્ર રાજકોટ તથા મોરબી જિલ્લાના આશરે 2.25 લાખ જેટલા ખેડૂતોને રૂ. 1000 કરોડનું વગર વ્યાજનું ધિરાણ કરવાનું આયોજન કર્યું છે. ખેડૂતોને આ 0% વ્યાજે ધિરાણ કરવાથી જિલ્લા સહકારી બેંકને અંદાજે રૂ. 100 કરોડ જેટલી માતબર રકમનો બોજ પડશે, જે બોજ જિલ્લા બેંક ઉઠાવશે. રાજકોટ અને મોરબી જિલ્લામાં તાજેતરમાં થયેલી અતિવૃષ્ટિને કારણે ખેડૂતોના તૈયાર પાકોને નુકસાન થયું છે તેમજ સતત પડેલા અતિભારે વરસાદને કારણે ખેડૂતોને મગફળી, કપાસ, સોયાબીન, તુવેર તથા મરચી સહિતના તૈયાર પાકને ખૂબ જ નુકસાન થયું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *