માર્ચ મહિનાને ધ્યાનમાં રાખીને વિવિધ સરકારી સંસ્થા દ્વારા વર્ષ 2024-25નાં બજેટ રજૂ કરવામાં આવી રહ્યા છે. ત્યારે રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં પણ ચેરમેન જયેશ બોઘરાનાં અધ્યક્ષસ્થાને મળેલી બેઠકમાં કુલ રૂ.34.92 કરોડનું બજેટ મંજૂર કરવામાં આવ્યું હતું. આ બજેટમાં રાજકોટ યાર્ડમાં પેટ્રોલ પંપ, ઓર્ગેનિક વેસ્ટમાંથી ખાતર બનાવવાનો પ્લાન્ટ શરૂ કરવા તેમજ સોલાર ઈન્સ્ટોલેશન ડ્રેનેજ લાઈન, સિમેન્ટ રોડ, ડામર રોડ, મેદાનમાં પેવિંગ બ્લોક સહિતના વિકાસકામોને લીલીઝંડી આપવામાં આવી હતી.
જણસીઓનું ગ્રેડિંગ કરવા મશીનની ખરીદી કરાશે
રાજકોટ માર્કેટિંગ યાર્ડનાં સેક્રેટરી બી. આર. તેજાણીએ દિવ્ય ભાસ્કર સાથેની ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે, રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં ચેરમેન જયેશ બોઘરાના અધ્યક્ષસ્થાને મળેલી બજેટ બોર્ડ મિટિંગમાં રૂ.34.92 કરોડનું બજેટ મંજૂર કરાયું હતું. આગામી નાણાકીય વર્ષના બજેટમાં યાર્ડના સંકુલમાં હિન્દુસ્તાન પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડનો પેટ્રોલ પંપ બનાવવા તેમજ વિવિધ જણસીઓનું ગ્રેડિંગ થઇ શકે તે માટે ગ્રેડિંગ મશીન ખરીદવાની દરખાસ્ત મંજૂર કરવામાં આવી છે.