સૌરાષ્ટ્ર-ગુજરાતમાં એકંદરે સારો અને સંતોષકારક વરસાદ થયો હોવાથી મગફળી-કપાસ સહિતની ખરીફ સીઝનનુ મબલખ ઉત્પાદન થવાનો આશાવાદ છે. ત્યારે રાજકોટ યાર્ડમાં આજે નવા કપાસની પ્રથમ આવક થઈ હતી. માર્કેટયાર્ડમાં ખોડુ ગામના મહાદેવભાઈ નામના ખેડૂતનો 8 દાગીના નવો કપાસ વેચાવા આવ્યો હતો અને 1611ના ભાવે વેચાણ હતું. જો કે, આવક વધતા હજુ એકાદ મહિનો નિકળી જવાની ગણતરી રાખવામાં આવે છે. કેન્દ્ર સરકારે ડિસેમ્બર સુધી કપાસને આયાત જકાત માંથી મુક્તિ આપી હોવાથી કપાસની માર્કેટ ઠંડી છે. નવી સિઝન વખતે ભાવ વધુ દબાવાની તેમજ ખેડૂતવર્ગમાંથી ઉહાપોહ થવાની આશંકા છે.
અન્ય સમાચાર દક્ષિણ મધ્ય રેલવેના સિકંદરાબાદ સ્ટેશન પર ચાલી રહેલા પુનઃવિકાસ કાર્યને કારણે, રાજકોટ ડિવિઝન થઈને જતી પોરબંદર-સિકંદરાબાદ-પોરબંદર સુપરફાસ્ટ સાપ્તાહિક ટ્રેન અસ્થાયી રૂપે ઉમદાનગર સુધી ચલાવવામાં આવી રહી હતી. હવે, આ ટ્રેનને તેના પૂર્વ નિર્ધારિત ટર્મિનલ સ્ટેશન સિકંદરાબાદ સુધી ચલાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ ફેરફાર ઑક્ટોબર 28, 2025થી અમલમાં આવશે. જેમાં ટ્રેન નંબર 20968 પોરબંદર-સિકંદરાબાદ સુપરફાસ્ટ સાપ્તાહિક ટ્રેન ઑક્ટોબર 28, 2025થી પોરબંદર સ્ટેશનથી દર મંગળવારે 01:15 વાગ્યે ઉપડશે. બીજા દિવસે સવારે 8 વાગ્યે સિકંદરાબાદ સ્ટેશન પહોંચશે. બીજીતરફ ટ્રેન નંબર 20967 સિકંદરાબાદ-પોરબંદર સુપરફાસ્ટ સાપ્તાહિક ટ્રેન ઑક્ટોબર 29, 2025થી સિકંદરાબાદ સ્ટેશનથી દર બુધવારે 15:10 વાગ્યે ઉપડશે. બીજા દિવસે રાત્રે 21:50 વાગ્યે પોરબંદર સ્ટેશન પહોંચશે.