રાજકોટ મહાનગરપાલિકાના ફાયર બ્રિગેડ વિભાગમાં ડિવિઝનલ ઓફિસર તથા સ્ટેશન ઓફિસર તથા સબ ફાયર ઓફિસર સહિતની 42 જગ્યાઓ ભરવા માટે ઉમેદવારો પાસેથી અરજી મગાવી મોટાભાગની પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી હતી ત્યારે ગઈકાલે અચાનક તમામ ભરતી પ્રક્રિયા રદ કરવામાં આવી હોવાની જાહેરાત કરાતા અરજદારોમાં દેકારો બોલી ગયો છે. આ મુદ્દે તંત્ર વાહકોએ કોર્ટ મેટર અંતર્ગત ભરતી પ્રક્રિયા રદ કરી હોવાનું જણાવી ઉમેદવારોને રિફંડ પરત આપવા સહિતની કામગીરી આરંભી હોવાનું જણાવ્યું છે.
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ફાયર એન્ડ ઇમર્જન્સી સર્વિસીસ શાખાની 42 જગ્યા ભરવા માટે તારીખ 18/1/2025ના રોજ જાહેરાત કરી હતી ઉમેદવારો પાસેથી ઓનલાઈન અરજીઓ મગાવવામાં આવી હતી. જેમાં ડિવિઝનલ ઓફિસરની 4, સ્ટેશન ઓફિસરની 3 અને સબ ફાયર ઓફિસર 35 સહિત કુલ 42 જગ્યા માટે અનેક અરજીઓ આવી હતી ફોર્મ સહિતની વિગતો સાથે ઉમેદવારોએ ફી ભરેલ અને પરીક્ષા તેમજ ઇન્ટરવ્યૂ આપ્યો હતો. આથી તંત્ર દ્વારા હવે રિફંડ પરત આપવા માટેની પરત કામગીરી શરૂ કરી નવી જાહેરાત ટૂંક સમયમાં કરવામાં આવશે તેમ ઉમેદવારોને જણાવવામાં આવ્યું છે.
ભરતી રદ કરવાની પ્રક્રિયા મુદ્દે તંત્ર એ જણાવેલ કે, ભરતી સમયે અલગ અલગ પોસ્ટ માટે જે નિયમો હતા તેમાં સરકાર દ્વારા સુધારો કરી નવા નિયમનો ઉમેરો કરવામાં આવ્યો છે તેવી જ રીતે અમુક ઉમેદવારો દ્વારા લાયકાતમાં છૂટછાટ આપવામાં આવે તે પ્રકારની રીત કરી કોર્ટમાંથી સ્ટે લેવામાં આવ્યો છે. આથી કોર્ટ મેટર થતા તમામ ભરતી પ્રક્રિયા રદ કરવામાં આવી છે અને આગામી દિવસોમાં સરકારે સૂચવેલા નવા નિયમો મુજબ નવી ભરતી માટેની તારીખ જાહેર કરવામાં આવશે.
મનપાના સૂત્રોએ જણાવ્યું હતું કે, ઉમેદવારોએ રિફંડ મેળવવા માટે મહાનગરપાલિકાની વેબસાઈટ પર પોતાની વિગતો ભરી તારીખ 29/12/2025 સુધીમાં સબમિટ કરવાની રહેશે ત્યારબાદ રિફંડની કાર્યવાહી કરાશે નિયત સમયમર્યાદા બાદ રિફંડ અંગેની રજૂઆત ધ્યાનમાં લેવામાં આવશે નહીં