રાજકોટ મહાનગરપાલિકામાં સુશાસન દેવાનો અનેક વાયદાઓ સત્તાધારી પાર્ટી કરી ચૂકી છે, પરંતુ સ્ટાફના અભાવે મહાનગરપાલિકામાં કામ માટે આવતા મોટાભાગના અરજદારો હેરાન પરેશાન થતા હોવાની ફરિયાદો સાંભળવા મળે છે.
તાજેતરમાં જનરલ બોર્ડમાં પૂછાયેલા પ્રશ્નમાં એવી ચોંકાવનારી હકીકત પ્રકાશમાં આવી હતી કે, મહાનગરપાલિકામાં વર્ગ-3ના કાયમી સ્ટાફની 35.39 ટકા જગ્યાઓ લાંબા સમયથી ખાલી છે.
મહાનગરપાલિકામાં ભાજપના કોર્પોરેટર નિલેશ જલુએ એવો પ્રશ્ન પૂછયો હતો કે, મનપામાં કાયમી સ્ટાફ સેટઅપ વર્ગ-3ની કેડરવાઇઝ કુલ કેટલી જગ્યાઓ ખાલી છે? ખાલી જગ્યા પર ભરતી કરવાનું શું આયોજન છે?
જેના જવાબમાં મનપાના સત્તાધીશોએ જણાવ્યું હતું કે, મહાનગરપાલિકામાં વર્ગ-3ની કુલ 2800 જગ્યા મંજૂર કરાયેલી છે જેમાંથી 1889 જગ્યા ભરાયેલી છે અને 991 જગ્યા ખાલી છે. જેમાંથી 302 જગ્યા ભરી દેવા બજેટમાં કરેલી જોગવાઇ મુજબ ચાલુ વર્ષમાં આયોજન કરાયું છે.
જેનો મતલબ એ થાય છે કે, મનપામાં 991 જગ્યાઓ ખાલી હોવા છતાં તમામ જગ્યાઓ ભરવા માટે સત્તાધીશો તૈયાર નથી અને માત્ર 11 ટકા ખાલી જગ્યા ભરી દઇ ભરતી કર્યાના ચશ્મા પ્રજાજનોને પહેરાવા ઇચ્છી રહ્યા છે.