રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણીનો જંગ જામ્યો

રાજકોટ મહાનગરપાલિકાની આગામી ચૂંટણીને લઈને રાજકીય માહોલ ગરમાયો છે, ત્યારે કોંગ્રેસ પક્ષ દ્વારા ચૂંટણી લક્ષી તૈયારીઓના ભાગરૂપે ઉમેદવારોની પ્રથમ યાદી સત્તાવાર રીતે જાહેર કરવામાં આવી છે. કોંગ્રેસે પ્રથમ તબક્કે કુલ 18 વોર્ડના 40 ઉમેદવારોના નામ પર મહોર મારી છે. રાજકોટ મનપાની કુલ 72 બેઠકોમાંથી અત્યારે 40 બેઠકોના નામ સ્પષ્ટ કરી દેવામાં આવ્યા છે. જેમાં ભાજપમાંથી સસ્પેન્ડ થયેલ દેવુબેન જાદવને પણ ટિકિટ આપતા રાજકારણ ગરમાયુ છે. બાકી રહેલી 32 બેઠકો પરના ઉમેદવારોની પસંદગી પ્રક્રિયા ચાલુ હોવાથી તેના નામ આગામી સમયમાં જાહેર કરવામાં આવશે. આ તકે કોંગ્રેસ કાર્યાલય ખાતે મીઠાઈઓ ખાઈને ઉજવણી કરવામાં આવી હતી. બીજીતરફ આમ આદમી પાર્ટીએ પણ આજે વધુ 26 ઉમેદવારોના નામ જાહેર કર્યા છે.

આમ આદમી પાર્ટી દ્વારા આજે પોતાના ઉમેદવારોની ચોથી યાદી જાહેર કરવામાં આવી હતી. જેમાં કુલ 243 ઉમેદવારો પૈકી રાજકોટ મનપાના વધુ 26 ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યા હતા. આ અગાઉ પ્રથમ યાદીમાં આમ આદમી પાર્ટીનાં 20 ત્યારબાદ 14 અને આજે 26 ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યા છે. આમ કુલ મળીને 60 ઉમેદવારોનાં નામ ‘આપ’ દ્વારા જાહેર કરી દેવામાં આવ્યા છે. જયારે બાકી રહેલા 12 ઉમેદવારોના નામ આગામી દિવસોમાં જાહેર કરવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *