રાજકોટ મનપા દ્વારા સફાઈ કામદારો માટે દિવાળીનાં બોનસની જાહેરાત કરાતા યુનિયને આભાર માન્યો

રાજકોટ શહેરના કોન્ટ્રાક્ટ પર કાર્યરત સફાઈ કામદારો માટે મોટા રાહતના સમાચાર છે. રાજકોટ કામદાર યુનિયનની લાંબા સમયથી ચાલી આવતી માગણી બાદ, રાજકોટ મહાનગરપાલિકા દ્વારા દિવાળી બોનસ અંગેનો મહત્વનો પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે. આ પરિપત્ર મુજબ, વોર્ડ નંબર 1થી 18માં કોન્ટ્રાક્ટ હેઠળના સફાઈ કામદારોને સરકારના નિયમો અનુસાર 07 ઓક્ટોબર સુધીમાં તાત્કાલિક અસરથી બોનસ ચૂકવવાનું રહેશે. આ માટેનું બોનસ પત્રક નાયબ પર્યાવરણ ઇજનેર દ્વારા મંજૂર કરાવવું ફરજિયાત છે. આ નિર્ણયને પગલે સફાઈ કામદારોમાં ખુશીની લહેર દોડી ગઈ હતી. દિવાળીના તહેવાર પહેલા આ નિર્ણય તેમના માટે નવો ઉજાસ લાવ્યો છે. જેને લઈને યુનિયનના આગેવાનો પારસ બેડીયા, ગીતાબેન ચૌહાણ, ચંદ્રેશ સાનિયા, ચેતનાબેન ચુડાસમા, રાજેશ વાઘેલા અને અનિતાબેન પઢિયારની આગેવાની હેઠળની આ લડતને સફળતા મળતાં, તેમનું RMC ગાર્ડન ખાતે સન્માન પણ કરવામાં આવ્યું હતું. યુનિયને સમયસર નિર્ણય લેવા બદલ મહાપાલિકાનો આભાર વ્યક્ત કર્યો હતો.

અન્ય સમાચાર બિહારમાં ભાજપના પ્રવક્તા દ્વારા રાહુલ ગાંધીને ગોળી મારવાની ધમકી આપવા છતાં કોઈ કાર્યવાહી ન થતાં, આજે રાજકોટ કોંગ્રેસના નેતાઓએ પોલીસ કમિશ્નરને લેખિતમાં ફરિયાદ કરી છે. મનપા વિપક્ષી નેતા વશરામ સાગઠીયા, મકબુલ દાઉદાણી, માવજીભાઇ રાખશીયા, અને કોમલબેન ભારાઈ સહિતના કોંગી આગેવાનોએ પોલીસ કમિશ્નરને રજૂઆત કરી કે, ભાજપના નેતા વિરુદ્ધ FIR નોંધી તત્કાલ ધરપકડ કરવામાં આવે અને રાહુલ ગાંધીની સુરક્ષા વધારવામાં આવે. આ અંગે કોંગી નેતા વશરામભાઇ સાગઠીયાએ જણાવ્યું કે, ભાજપના આગેવાનો રાહુલ ગાંધીની વધતી લોકપ્રિયતાથી ડરી ગયા છે. તેમણે આક્ષેપ કર્યો કે તાનાશાહ સરકાર જનતા માટે ઉઠતો દરેક સાચો અવાજ દબાવી દેવા માંગે છે. તેમણે સ્પષ્ટ કર્યું કે આવી ધમકીઓથી રાહુલ ગાંધી ડરી જવાના નથી અને તેઓ જનતા માટે લડતા રહેશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *