રાજકોટના નવા મ્યુ. કમિશ્નર તુષાર સુમેરાએ ચાર્જ સંભાળ્યાના બીજા જ દિવસે આજે લાંબા સમય બાદ કોર્પોરેશનના બુલડોઝર ગેરકાયદેસર બાંધકામો ઉપર ફરી વળ્યાં હતા. જેમાં રેલનગર વિસ્તારમાં મંદિર અને માધાપર વિસ્તારમાં દરગાહના રૂમ તેમજ ચાર રહેણાંક મકાનો ઉપર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું હતું. જેમાં કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે ખાસ વિજિલન્સ પોલીસનો ચૂસ્ત બંદોબસ્ત સાથે રાખવામાં આવ્યો હતો.
પ્રાપ્ત વિગત મુજબ, સવારે સીટી ઇજનેરના આદેશથી ટીપી શાખા દ્વારા વોર્ડ નં. 2 અને 3માં 4 અનામત પ્લોટ પરથી ગેરકાયદે બાંધકામ હટાવીને રોડ તથા પ્લોટ ખુલ્લા કરાવવામાં આવ્યા છે. જેમાં વોર્ડ નં.3ના રેલનગરમાં ટીપી સ્કીમ નં.23 રાજકોટમાં અનામત પ્લોટ નં. 18/એ વાણીજ્ય હેતુનો રહેલો છે. અહીં 20 ચો.મી. જગ્યામાં મંદિરનું દબાણ હતું તે હટાવીને રૂ. 6 લાખની જમીન ખુલ્લી કરાવાઇ છે. જ્યારે વોર્ડ નંબર 2ની ટીપી સ્કીમ નં.9માં ડ્રેનેજ પમ્પીંગ સ્ટેશન માટેના અનામત પ્લોટમાં 50 ચો.મી.માં રહેણાંક મકાનનું દબાણ હતું. આ મકાન તોડીને રૂ. 25 લાખની જમીન ખુલ્લી કરાવાઇ છે.