રાજકોટ મહાપાલિકા દ્વારા મહાશિવરાત્રી અંતર્ગત એક જાહેરનામું બહાર પડાયું હતું. જેમાં આ તહેવાર નિમિતે શહેરના કતલખાનાઓ બંધ રાખવા તેમજ માસ, મટન, મચ્છી અને ચિકનનું વેંચાણ કે સ્ટોર કરવા પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો હતો. આમ છતાં શહેરનાં વેપારી દ્વારા મીટ-ચિકનનું ઓનલાઈન વેચાણ કરવામાં આવતું હતું. ઝેપ્ટો દ્વારા ઓનલાઇન થતા મીટ-ચીકનના વેચાણની માહિતી મળતા આરોગ્ય વિભાગની ટીમો દોડી ગઈ હતી અને કુલ 35 કિલો જથ્થાનો સ્થળ પરથી નાશ કરવામાં આવ્યો હતો. તેમજ વેપારી પાસેથી રૂ. 10,000નો દંડ વસુલ કરવામાં આવ્યો હતો.
પ્રાપ્ત વિગત મુજબ શહેરનાં 150 ફૂટ રિંગરોડ ઉપર આવેલ આર કે આઇકોનિક બિલ્ડીંગનાં ગ્રાઉન્ડ ફ્લોર પર આવેલ ડ્રોગિરિયા સેલર્સ પ્રાઇવેટ લિમિટેડ નામના Zeptoનાં વેચાણ કેન્દ્ર દ્વારા ચીકન ડિલિવર કરવામાં આવ્યું હતું. મ્યુ. કમિશ્નરનાં જાહેરનામાની ઐસીતૈસી કરી મહાશિવરાત્રીનાં દિવસે પણ નોનવેજનો ઓર્ડર થતા ગ્રાહકને Zeptoની મદદથી ડીલીવરી આપવામાં આવી હતી. આ અંગે મહાનગરપાલિકાને જાણ થતા જાહેરનામાંનો ભંગ કરવા બદલ Gpmc કલમ 336 મુજબ વેપારી પાસેથી રૂ. 10,000નો દંડ વસુલ કરવામાં આવ્યો હતો. તેમજ 35 કિલો અખાદ્ય વસ્તુનો નાશ કરવામાં આવ્યો હતો.