રાજકોટ મનપા ચૂંટણીમાં ભાજપ 30 કોર્પોરેટરની ટિકિટ કાપશે!

રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણીને લઈ કાઉન્ટડાઉન શરૂ થઈ ચૂક્યું છે, જેમાં રાજકીય પક્ષોની સેન્સ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ સંગઠનની બેઠક પણ પૂર્ણ થઈ ચૂકી છે. ઉમેદવારોની પસંદગી ચાલી રહી છે જેમાં આપ અને કોંગ્રેસ ઉમેદવાર જાહેર કર્યા બાદ આગામી બે દિવસમાં ભાજપ પોતાના ઉમેદવારો જાહેર કરશે.

ઉલ્લેખનીય છે કે, ભાજપે નવા સંગઠનની જાહેરાત સમયે બધાને આશ્ચર્યચકિત કર્યા હતા તે રીતે ચૂંટણીના ઉમેદવારોની જાહેરાતમાં અનેક દિગ્ગજો અને વિવાદિત ચહેરાઓની બાદબાકી કરી નવા ચહેરાઓને તક આપશે તેવી રાજકોટ ભાજપમાં ચર્ચા ચાલી રહી છે.

જોકે, આ વખતે ભાજપના ઉમેદવારોની જાહેરાત પૂર્વે ઘણા વોર્ડમાં જૂથવાદ અને નારાજગી જોવા મળી રહી છે, જેની મતદાન અને ચૂંટણી પરિણામ પર કેવી અને કેટલી અસર થશે તે જોવાનું રહ્યું.

જૂના અને વિવાદિત કોર્પોરેટરોના પત્તા કપાઈ શકે! રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણીમાં ભાજપ પોતાના ઉમેદવારોની જાહેરાત કરે તે પહેલા આંતરિક વર્તુળોમાં ચાલી રહેલી ચર્ચા મુજબ નવા સિમાંકન અને પાર્ટીના ટિકિટના માપદંડને કારણે આ વખતે અનેક જૂના અને વિવાદોમાં સપડાયેલા કોર્પોરેટરોના પત્તા કપાવાની શક્યતા સેવાઈ રહી છે. ગત મનપાની ચૂંટણીમાં ભાજપના 68 કોર્પોરેટરો ચૂંટાઈ આવ્યા હતા. જે પૈકી લગભગ 25થી 30 જેટલા કોર્પોરેટરોને કાપી ભાજપ નવા ચહેરા મેદાનમાં ઉતારે તેવી શક્યતા વ્યક્ત કરાઈ રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *