રાજકોટ મનપામાં 20મીએ ચૂંટણી પૂર્વેનું સંભવત: છેલ્લું જનરલ બોર્ડ

આગામી ફેબ્રુઆરીમાં રાજકોટ કોર્પોરેશનની ચૂંટણીઓ જાહેર થવાની શક્યતા છે. ત્યારે ભાજપનાં શાસકો દ્વારા આગામી 20 જાન્યુઆરીનાં દ્વિમાસિક જનરલ બોર્ડની બેઠક બોલાવવામાં આવી છે. વર્તમાન શાસકોનાં આ સંભવત: છેલ્લા જનરલ બોર્ડમાં પણ પ્રથમ 1થી 5 ક્રમે ભાજપનાં 5 કોર્પોરેટરોનાં 10 સરકારી પ્રશ્નો મુકવામાં આવ્યા છે.

ત્યારબાદ વિપક્ષનાં નગરસેવક વશરામભાઈ સાગઠિયાનો પ્રશ્ન છે. જોકે બે મહિને 1 કલાક મળનારા જનરલ બોર્ડમાં માંડ બે-ત્રણ પ્રશ્નોની ચર્ચા કરાતી હોય છે. ત્યારે વિપક્ષનાં પ્રજાલક્ષી કોઈપણ પ્રશ્નોની ચર્ચાઓ આગામી બોર્ડમાં થાય તેવી શક્યતા નથી. આ કારણે જ આગામી જનરલ બોર્ડમાં શાસક અને વિપક્ષની વચ્ચે તડાફડી થવાની પૂરતી શક્યતા છે.

આજરોજ મેયર નયનાબેન પેઢડીયા દ્વારા જનરલ બોર્ડ માટેનો એજન્ડા જાહેર કરવામાં આવ્યો છે. જેમાં પ્રથમ ક્રમે ભાજપના કોર્પોરેટર દક્ષાબેન વસાણીએ અમૃત યોજના અને સ્વર્ણિમ યોજના હેઠળ મળવાપાત્ર ગ્રાન્ટ અને મળેલી ગ્રાન્ટ અને તે અંતર્ગત હાથ ધરવામાં આવેલ કામની વિગતો માંગી છે. જ્યારે બીજા ક્રમે ભાજપના જ રુચિતાબેન જોષીએ સ્ટ્રીટ લાઈટ અને વોર્ડ વાઇઝ નવા બનેલા રોડ-રસ્તાની વિગતો માંગી છે. ત્રીજા ક્રમે પણ ભાજપના કોર્પોરેટર કંકુબેન ઉધરેજાએ ટાઉન પ્લાનિંગ હસ્તકના ખુલ્લા પ્લોટની વોર્ડ વાઇઝ માહિતી ઉપરાંત વોર્ડ વાઇઝ આંગણવાડીઓ અને તેમાં અપાતા નાસ્તા જેવી વિગતો પૂછી છે.

મનપા હસ્તકની તમામ મિલ્કતો અને તેના ઉપયોગ અંગેની માહિતી ચોથા ક્રમે ભાજપના નગરસેવક વિનુભાઈ સોરઠીયા દ્વારા આરોગ્ય વિભાગને છેલ્લા 2 વર્ષમાં મળેલી ગ્રાન્ટ અને તેનો ઉપયોગ કઈ રીતે થયો છે તેની માહિતી માંગી છે. તેમજ ફાયર વિભાગ પાસે હાલમાં ક્યાં અને કેટલા વાહનો છે તેનો આકસ્મિક સંજોગોમાં કેવી રીતે પ્રયોગ કરવામાં આવે છે તે પૂછ્યું છે. પાંચમા ક્રમે ભાજપના જ કોર્પોરેટર દક્ષાબેન વાઘેલા દ્વારા મનપા હસ્તકની તમામ મિલ્કતો અને તેના ઉપયોગ અંગેની માહિતી ઉપરાંત મનપા હસ્તકની લાયબ્રેરી અને તેમાં નોંધાયેલા સભ્યોની વિગતો પૂછવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *