રાજકોટ મનપામાં ટીઆરપી ગેમઝોન અગ્નિકાંડ બાદ શરૂ થયેલો રાજીનામાંનો સિલસિલો હજુ પણ યથાવત જ છે ત્યારે વધુ બે ઇજનેરે રાજીનામાં આપ્યા હોવાનું જાણવા મળ્યું છે. જેમાં ડે. ઈજનેર હરેશ સોંડાગર અને અંબેશ દવેએ પોતાનું રાજીનામુ આપ્યું છે. કામનું ભારણ વધી રહ્યું હોવાથી અધિકારીઓ રાજીનામુ આપતા હોવાની ચર્ચા વચ્ચે આ બંનેએ પણ મગનું નામ મરી પાડવાને બદલે અંગત કારણે નોકરી છોડતા હોવાનું દિવ્યભાસ્કર સાથેની વાતચીતમાં જણાવ્યું હતું.
પ્રાપ્ત વિગત અનુસાર સ્માર્ટ સીટી તેમજ વોટર વર્કસ વિભાગમાં ડે.એન્જિનિયર તરીકે ફરજ બજાવતા અધિકારી હરેશ સોંડાગરે તેમના પદ પરથી રાજીનામુ આપ્યું છે. તેઓ સિવિલ આસી. ટાઉન પ્લાનર છે. આ ઉપરાંત અગાઉ ટીપી શાખામાં ફરજ બજાવતા અને બાદમાં બદલી થયેલા નિષ્ઠાવાન અધિકારીની છાપ ધરાવતા અંબેશ દવેએ પણ ડે.ઇજનેર પદ પરથી રાજીનામુ રજૂ કર્યુ છે. જેને લઈને રાજકોટ મનપામાં વધુ બે એન્જિનિયરની ખોટ પડશે. અને કામગીરી ઇન્ચાર્જને સોંપવામાં આવે એવી શક્યતા છે.