રાજકોટ મનપામાં હાલ બે કાયમી અને એક ઇન્ચાર્જ ડે.કમિશનર ફરજ બજાવે છે. નવા સેટઅપ મુજબ ડે.કમિશનરની કુલ 5 જગ્યા નકકી કરવામાં આવી હોય અને હવે વધુ એક ડે.કમિશનરની ખાતાકીય ભરતી (ઇનહાઉસ) કરવાની પ્રક્રિયા શરૂ કરાઇ છે. નવા સીટી એન્જિનિયરોની પણ ભરતી થવાની છે ત્યારે વર્ગ-1ના વધુ એક નાયબ કમિશનરની ભરતી માટે કર્મચારીઓ પાસેથી અરજીઓ મંગાવવામાં આવી છે. મહેકમ શાખાએ બહાર પાડેલી જાહેરાત મુજબ સરકારની મંજૂરીથી આ ખાતાકીય બિનઅનામત એક જગ્યા માટે ભરતી કરવામાં આવશે.
સાતમા પગાર પંચ મુજબ 78,800-2,09,200 પે સ્કેલ છે. કોર્પોરેશનમાં આસી. મ્યુનિ. કમિશનર તરીકે પાંચ વર્ષનો અનુભવ અથવા મેનેજર તરીકે 10 વર્ષના કામનો અનુભવ લાયકાત તરીકે નિર્ધારીત કરાયો છે. આથી ઘણા સિનિયર આસી. મેનેજર આ ભરતીમાં ઉપસ્થિત થઇ શકશે. મનપામાં બે જગ્યા પર સરકારે ડે.કમિશનર મુકવાના હોય છે. તેમાં એક IAS અધિકારી ફરજ બજાવે છે. આ બીજી જગ્યા પર ઇન્ચાર્જ ડે. કમિશનર છે. એક ડે.કમિશનર સ્થાનિક કક્ષાએ લેવાયા છે અને હવે બીજા ડે.કમિશનર ભરવા ખાતાકીય ભરતી બહાર પડી છે.
આ ભરતી થાય એટલે મનપામાં કુલ ચાર ડે.કમિશ્નર થશે. થોડા સમય પહેલા મહાપાલિકાએ વિકસતા રાજકોટના નવા સીમાડા જોતા કોઠારીયા રોડ પર નવો દક્ષિણ ઝોન બનાવવાનું કામ શરૂ કરાવ્યું છે. આ માટે ડે.કમિશનર સહિતના મોટા સેટઅપની જરૂર પડશે. આથી નવા ડે.કમિશનરની ભરતી થઇ જાય તો વધુ એક ઝોનમાં ડે.કમિશનર સહિતનું સેટઅપ કાર્યરત કરી શકાશે. મનપાનાં કર્મચારીઓ પણ આ માટે તા.30-8 સુધીમાં ઓનલાઇન અરજી કરી શકશે.