રાજકોટ મનપામાં આધાર કાર્ડમાં સુધારા-વધારા કે નવા આધારકાર્ડ માટે QR કોડવાળા દસ્તાવેજો ફરજિયાત

રાજ્ય સરકારના 1 સપ્ટેમ્બર, 2025ના પરિપત્ર મુજબ હવે આધાર કાર્ડની કોઈપણ કામગીરી માટે QR કોડ ધરાવતા દસ્તાવેજો હોવા અનિવાર્ય છે. ખાસ કરીને જન્મના દાખલા અને આધાર કાર્ડમાં નામ તથા જન્મ તારીખની વિસંગતતા દૂર કરવા સરકારે બર્થ સર્ટિફિકેટ સહિતના તમામ પુરાવા QR કોડવાળા જ રજૂ કરવા સૂચના આપી છે. અગાઉ કાઢવામાં આવેલા QR કોડ વગરના જૂના જન્મના દાખલાઓના આધારે હવે નવા આધાર કાર્ડ કઢાવી શકાશે નહીં. જો આવા જૂના દસ્તાવેજો રજૂ કરવામાં આવે, તો બેંગ્લોર સ્થિત મુખ્ય આધાર કેન્દ્ર દ્વારા ડેટા મેચ ન થવાને કારણે નોંધણી રદ (રિજેક્ટ) કરવામાં આવે છે.

મહાનગરપાલિકા દ્વારા સંચાલિત વોર્ડ વાઈઝ અને વિભાગીય કચેરીના આધાર કેન્દ્રો પર નવા કાર્ડ તેમજ સુધારા-વધારાની કામગીરી ચાલુ છે. અહીં રજૂ કરવામાં આવતા પુરાવાઓની ઓનલાઈન ચકાસણી QR કોડ અને અન્ય અદ્યતન પદ્ધતિ દ્વારા કરવામાં આવે છે. આથી, જે નાગરિકો પાસે જૂના જન્મના દાખલા છે તેમણે વહેલી તકે QR કોડવાળું નવું પ્રમાણપત્ર મેળવી લેવું જરૂરી છે. જોકે, કોર્પોરેશનનાં આ ફતવાથી જન્મનાં દાખલા કઢાવવા ફરીથી લાઈનો વધવાની શક્યતા છે.

રાજકોટ શહેરના અત્યંત વ્યસ્ત ગણાતા એસ્ટ્રોન ચોક નાલાને કોર્પોરેશન દ્વારા પાઈપલાઈનના ખોદકામ માટે એકાએક બંધ કરવામાં આવતા વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. સરદારનગર અને ટાગોર રોડથી અમીન માર્ગ તરફ જતા આ મુખ્ય માર્ગ પર હળવા વાહનોની સતત અવરજવર રહેતી હોય છે, પરંતુ રસ્તો બંધ હોવાથી ટ્રાફિકની અંધાધુંધી સર્જાઈ હતી. જેને પગલે અનેક વાહન ચાલકો અટવાયા હતા. તેમજ જનકલ્યાણ અને હેમુ ગઢવી હોલ પાછળના નાલાનો ઉપયોગ કરવા માટે લાંબા ફેરા કરવા પડ્યા હતા.

આ કામગીરીને કારણે આજે સવારે પણ આસપાસના અન્ય કનેક્ટિંગ રોડ પર વાહનોની લાંબી કતારો જોવા મળી હતી. મનપાના જણાવ્યા અનુસાર, એસ્ટ્રોન ચોક નાલા હેઠળ વરસાદી પાણીની પાઈપલાઈનનું ક્રોસિંગ કરવાનું કામ ચાલી રહ્યું છે. આ કામગીરી આજે રાત સુધીમાં પૂર્ણ કરી દેવામાં આવશે. તંત્ર દ્વારા ખાતરી આપવામાં આવી છે કે મોડામાં મોડા આવતીકાલથી નાલામાંથી વાહનોની અવરજવર ફરી રાબેતા મુજબ શરૂ થઈ જશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *