રાજકોટ કોર્પોરેશન દ્વારા સ્વચ્છતા સર્વેક્ષણ અંતર્ગત નવતર પ્રયોગ હાથ ધરવામાં આવ્યો છે. જેમાં શહેરમાં જુદા-જુદા પાંચ સ્થળોએ RRR (REDUCE, REUSE, RECYCLE) સેન્ટર શરૂ કરવામાં આવ્યા છે. જેમાં લોકો પોતાની બિન ઉપયોગી વસ્તુઓનું દાન આપી શકશે. આ વસ્તુઓનો ઉપયોગ જરૂરિયાતમંદ લોકો માટે કરવામાં આવશે. આજરોજ મનપાની ત્રણેય ઝોન ઓફીસ ખાતે મનપા અધિકારીઓ અને કર્મચારીઓએ પણ પોતાની પાસે રહેલા પુસ્તકો, રમકડા, કપડા, બુટ-ચંપલ જેવી ચીજવસ્તુનું દાન આપ્યું હતું. જેમાં નાયબ મ્યુનિસિપલ કમિશનર સ્વપ્નિલ ખરે દ્વારા પુસ્તકોનું યોગદાન આપવામાં આવ્યું હતું.
મ્યુનિસિપલ કમિશ્નર આનંદ પટેલે આ અંગે જણાવ્યું હતું કે, આવા કેન્દ્ર શરૂ કરવાનો ઉદ્દેશ ગરીબ વર્ગના જરૂરિયાતમંદ લોકોને ઉપયોગી ચીજવસ્તુઓ ઉપલબ્ધ બનાવી તેઓના ચહેરા પર સ્મિત લાવવામાં મદદરૂપ થવાનો છે. સમાજમાં વાંચન પ્રવૃત્તિને પ્રોત્સાહન મળે, આંગણવાડીઓના બાળકોને રમકડાં મળી રહે તેમજ જરૂરિયાતમંદ ગરીબ લોકોને કપડાં અને બૂટ-ચંપલ જેવી ચીજવસ્તુઓ આપવા માટેના આ અભિયાનને નાગરિકો તરફથી ખૂબ સારો પ્રતિસાદ મળી રહ્યો છે. નાગરિકો પાસેથી ચીજવસ્તુઓ ભેંટ સ્વરૂપે RRR કેન્દ્ર ખાતે સ્વીકારવામાં આવી રહી છે.