રાજકોટ મનપાને 44.32 લાખની આવક થઈ, સ્પીડવેલ પાસેના પ્લોટની બોલી 12 લાખ સાથે સૌથી ઊંચી રહી

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આયોજિત દિવાળીના તહેવારો દરમિયાન ફટાકડાના વેચાણ માટેના પ્લોટની જાહેર હરાજીમાં આ વર્ષે તમામ પૂર્વ નોંધણીઓ તોડી નાખી છે, જેના પરિણામે મહાનગરપાલિકાને પ્રથમ વખત વિક્રમી રૂ. 44,32,000 ની જંગી આવક પ્રાપ્ત થઈ છે. અત્યાર સુધીના ઇતિહાસમાં ફટાકડાના સ્ટોલની હરાજીમાંથી મનપાને ક્યારેય આટલી આવક થઈ નથી. આ વર્ષે સાત પ્લોટમાં કુલ 28 સ્ટોલની હરાજી કરવામાં આવી હતી, જ્યારે ગત વર્ષે 8 પ્લોટ અને 30 સ્ટોલ હોવા છતાં મનપાને કુલ આવક માત્ર રૂ. 5,62,000 થઈ હતી. આ રીતે, ઓછી સંખ્યામાં પ્લોટ અને સ્ટોલ હોવા છતાં, મહાનગરપાલિકાની આવકમાં નવ ગણો જેટલો તોતિંગ વધારો નોંધાયો છે.

સ્પીડવેલ પાર્ટી પ્લોટ પાસેના પ્લોટની સૌથી ઊંચી બોલી પ્રાપ્ત વિગત મુજબ આ હરાજીમાં સૌથી વધુ આકર્ષણનું કેન્દ્ર સ્પીડવેલ પાર્ટી પ્લોટ પાસે સ્વર્ણભૂમિ નજીક આવેલો પ્લોટ રહ્યો હતો. આ પ્લોટમાં પાંચ સ્ટોલ માટેની બોલી એટલી ઊંચી બોલાઈ કે મનપાને માત્ર આ એક જ સ્થળ પરથી દસ દિવસ માટે રૂ. 12,87,000ની આવક થવા છે. મનપા દ્વારા ફટાકડાનાં સ્ટોલ માટે 10 દિવસ પ્લોટ ભાડે અપાય છે. ત્યારે દૈનિક ગણતરી મુજબ, આ પ્લોટનો ભાવ પ્રતિ દિવસ રૂ. 1,28,700 ઉપજ્યો છે, જે ખરેખર અભૂતપૂર્વ છે.

83 લોકોએ ઉત્સાહભેર ભાગ લીધો મનપા દ્વારા દિવાળીના તહેવારને ધ્યાનમાં રાખીને શહેરના જુદા જુદા વિસ્તારોમાં આવેલા તેમના હસ્તકના પ્લોટને ફટાકડા બજાર માટે ભાડે આપવામાં આવે છે. આ વખતે મહાનગરપાલિકાએ સ્ટોલના ગાળાનું કદ 15×30 ફૂટ નક્કી કર્યું હતું. ગઈકાલે યોજાયેલી આ હરાજીની પ્રક્રિયામાં કુલ 83 લોકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. સ્પીડવેલ પાર્ટી પ્લોટ પાસેના પ્લોટની સફળતા બાદ અન્ય પ્લોટની હરાજીની વિગતો પણ નોંધપાત્ર રહી છે. શહેરના મુખ્ય વિસ્તારોમાં આવેલા અન્ય પ્લોટમાં પણ વેપારીઓએ ભારે રસ દાખવ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *