રાજકોટ મનપાનું ચૂંટણીલક્ષી બજેટ જાહેર થશે

રાજકોટ મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જયમીન ઠાકર દ્વારા આવતીકાલે બજેટ માટેની બેઠક બોલાવવામાં આવી છે. જેમાં મ્યુ. કમિશનરે રજૂ કરેલા પ્રાસ્તાવિત અંદાજપત્રને અનેક ફેરફારો સાથે મંજુર કરી દેવામાં આવશે. આવતીકાલે મંજુર થનાર આ બજેટની કેટલીક મહત્વની જાણકારી આજે દિવ્ય ભાસ્કરને મળી છે. જે મુજબ શાસકો દ્વારા મ્યુ. કમિશનરે સૂચવેલો રૂ. 95 કરોડનો વેરા વધારો ફગાવવામાં આવશે.

જ્યારે મિલકત તેમજ પાણીવેરામાં વ્યાજમાફીનો પણ નિર્ણય જાહેર કરવામાં આવશે. સાથે જ સિનિયર સિટીઝનોનાં નામે વૃક્ષારોપણ સહિતની નવી 15થી વધુ યોજના હશે. આ યોજનાઓમાં લોકોને ફાયદો થવાની સાથે આવકમાં વધારો થાય તેવી પણ ઘણી યોજનાઓ સામેલ કરવામાં આવી છે.

કમિશનર દ્વારા સૂચવેલો વેરા વધારો હટાવવામાં આવશે પ્રાપ્ત વિગત મુજબ રાજકોટ મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરાએ ગત 4 ફેબ્રુઆરીના રોજ સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ નાણાકીય વર્ષ 2026-27નું ડ્રાફ્ટ બજેટ રજૂ કર્યા બાદ, સ્ટેન્ડિંગ કમિટી દ્વારા બજેટનો તલસ્પર્શી અભ્યાસ પૂર્ણ કરી લેવામાં આવ્યો છે અને આવતીકાલે ફાઇનલ બજેટ જાહેર કરવામાં આવનાર છે. જોકે દિવ્ય ભાસ્કરને આજે જ આ બજેટની મહત્વની જોગવાઈઓ અંગેની જાણકારી મળી છે. જે મુજબ મનપાનું બજેટ મોટાભાગે ચૂંટણીલક્ષી રહેશે.

એટલે કે, કમિશનર દ્વારા સૂચવેલો તમામ વેરા વધારો હટાવવામાં આવશે. આ સાથે લાંબા સમયથી વેરો નહીં ભરનારા લોકો પર લાગતા વ્યાજમાં માફી આપવાનો મહત્વનો નિર્ણય જાહેર કરાશે. ખાસ કરીને ગણતરીના મહિનામાં મહાપાલિકાની ચૂંટણીઓ યોજાવાની શક્યતા હોવાથી વધુમાં વધુ લોકો લાભ લઈ શકે તે માટે સ્લેબવાઇઝને બદલે નાના બાકીદારોને વધારે લાભ મળે તે મુજબ વ્યાજમાફી આપવામાં આવનાર હોવાનું જાણવા મળ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *