રાજકોટ મનપાનું આધારકાર્ડ સેન્ટર જ નિરાધાર

રાજકોટમાં દિવાળીના તહેવાર પૂર્વે મહાનગરપાલિકામાં આધારકાર્ડ સેન્ટરના તમામ 18 ઓપરેટરોને એકસાથે એક વર્ષ માટે સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે, સાથે-સાથે શહેરી વિસ્તાર માટે જૂની કલેક્ટર કચેરીમાં શરૂ કરવામાં આવેલી એક કિટ પણ સસ્પેન્ડ કરી દેવામાં આવી છે. મુંબઈ રીઝનલ કચેરી દ્વારા કરવામાં આવેલી કાર્યવાહીને પગલે રોજના 500થી વધુ આધારકાર્ડનાં થતાં કામો બંધ થશે. જો આધારકાર્ડના સુધારા-વધારા સહિતની કામગીરી બંધ થશે તો લોકોનાં બેંક અને સરકારી કામો અટકી પડશે.

ઉલ્લેખનીય છે કે સસ્પેન્ડના ઓર્ડર થવાને કારણે આજે અડધા કરતાં વધુ ઓપરેટરો ગેરહાજર રહ્યા હતા, જેને લઈને આધારકાર્ડ કઢાવવા આવનારા લોકોને ભારે હાલાકી ભોગવવી પડી હતી, જોકે મનપા અધિકારીએ આ સસ્પેનશન રદ કરવા માટેનો પત્ર લખી રજૂઆત કરી છે. પોતાની રજૂઆત માન્ય રહેવાની શક્યતા વ્યક્ત કરી છે.

પ્રાપ્ત વિગત અનુસાર, બે મહિના પહેલાં નાનાં બાળકો અને તેના પિતાની કરવામાં આવેલી એન્ટ્રીઓમાં અનેક અરજી મિસમેચ થઈ હતી. ગત મહિને આવી અરજીનો આંકડો મહાપાલિકા વિસ્તારનો 4129 હોવાના કારણે એકસાથે 18 ઓપરેટરને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. એટલું જ નહીં, જૂની કલેક્ટર કચેરીમાં આવેલી તાલુકા મામલતદાર કચેરીમાં છ મહિના પહેલાં આધારકાર્ડની એક કિટ મૂકવામાં આવી હતી. શહેરી વિસ્તારના લોકો માટે આ સવલત ઊભી કરવામાં આવી હતી, પરતું આ ઓપરેટરને પણ સસ્પેન્ડ કરી દેવામાં આવતાં શહેર વિસ્તારમાં કુલ 19 ઓપરેટર સસ્પેન્ડ થયા છે, એને લઈને આધારકાર્ડની કામગીરી બંધ થતાં લોકોને પોસ્ટ ઓફિસ, સરકારી બેંકોના ધક્કા ખાવા પડશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *