રાજકોટ મનપાનું અંતિમ જનરલ બોર્ડ તોફાની બન્યું

રાજકોટ મહાનગરપાલિકાની વર્તમાન 5 વર્ષની ટર્મ પૂર્ણ થવાન હવે ગણતરીના કલાકો બાકી છે ત્યારે આજે યોજાયેલું અંતિમ અને ખાસ જનરલ બોર્ડ ધારણા મુજબ જ અત્યંત તોફાની રહ્યું હતું. 11 માર્ચના રોજ વર્તમાન પદાધિકારીઓની મુદત પૂરી થઈ રહી હોવાથી ઉતાવળે બોલાવવામાં આવેલા આ ખાસ બોર્ડમાં વિરોધપક્ષે ભ્રષ્ટાચાર, પક્ષપાત અને નિયમ વિરુદ્ધ કામગીરીના ગંભીર આક્ષેપો સાથે જોરદાર વિરોધ નોંધાવ્યો હતો. ખાસ કરીને બહુમાળી ઈમારતોમાં ફ્લાવર બેડના નામે થયેલા ગેરકાયદે બાંધકામોને રેગ્યુલરાઈઝ કરવા માટેના દંડની કરોડો રૂપિયાની રકમમાં હપ્તા કરી આપવાની દરખાસ્ત અને સત્તાધારી પક્ષના પદાધિકારીઓ દ્વારા કરવામાં આવેલા કથિત ગેરકાયદે બાંધકામોના મુદ્દે રાજકારણ ચરમસીમાએ પહોંચ્યું હતું. વિરોધ પક્ષના નેતા વશરામ સાગઠીયાએ ‘મેયર બાદ સ્ટેન્ડિંગ ચેરમેનનું ગેરકાયદે બાંધકામ’ લખેલા બેનરો દર્શાવી આક્રમક દેખાવો કર્યા હતા.

ફ્લાવર બેડ દંડમાં હપ્તા પદ્ધતિનો વિવાદ અને બિલ્ડરોને મોટી રાહત રાજકોટમાં બિલ્ડરો માટે આજે બોર્ડમાં સૌથી મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્ય સરકારના શહેરી વિકાસ સત્તા મંડળ અને કેબિનેટના ખાસ કિસ્સામાં લેવાયેલા નિર્ણયના અનુસંધાને રાજકોટ મહાપાલિકા દ્વારા નવી હપ્તા પદ્ધતિ અમલમાં મૂકવામાં આવી છે. અત્યાર સુધી બહુમાળી ઇમારતોમાં ફ્લાવર બેડના નામે કરાયેલા ગેરકાયદે બાંધકામોને નિયમિત કરવા માટે બિલ્ડરોએ કરોડો રૂપિયાનો દંડ એકસાથે ભરવો પડતો હતો, જે ભરવામાં અનેક બિલ્ડરો પાછીપાની કરી રહ્યા હતા.

આ પરિસ્થિતિમાં બિલ્ડરોને આર્થિક રાહત આપવા માટે નવા નાણાકીય વર્ષના બજેટમાં કરવામાં આવેલી જાહેરાત મુજબ હપ્તા પદ્ધતિની જોગવાઈ કરવામાં આવી છે. સ્ટેન્ડિંગ ચેરમેન જયમીન ઠાકરે આ અંગે વિગતવાર માહિતી આપતા જણાવ્યું હતું કે, જો કોઈ બિલ્ડરે 50 લાખ સુધીનો BU (બી.યુ.) ચાર્જ ભરવાનો હોય, તો તેઓ ચેક દ્વારા સીધી ચુકવણી કરી શકશે. પરંતુ, જો દંડ કે ચાર્જની રકમ 50 લાખ થી વધુ થતી હોય તેવા કિસ્સામાં, બિલ્ડરોને 1 વર્ષના સમયગાળામાં ત્રણ-ત્રણ મહિનાના અંતરે કુલ 4 સરખા હપ્તામાં નાણાં ભરવાની છૂટ આપવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *