રાજકોટ મહાનગરપાલિકામાં હાલ ઇસ્ટ, વેસ્ટ તેમજ સેન્ટ્રલ સહિતની ત્રણ ઝોન કચેરીઓ કાર્યરત છે. જોકે શહેરની દક્ષિણમાં આવેલા વોર્ડ નંબર 15,16,17 અને 18નાં અંદાજે 5 લાખ કરતા વધુ લોકોને જન્મ-મરણનાં દાખલા, આધારકાર્ડ સહિત કોર્પોરેશનને લગત તમામ કામગીરી માટે સેન્ટ્રલ ઝોનમાં આવેલી મુખ્ય કચેરી સુધી આવવું પડે છે. જોકે મનપાનો વિસ્તાર વધી રહ્યો હોય લોકોની સુવિધા માટે કોઠારીયા વિસ્તારમાં આવેલા રાધે ચોક પાસે હાલ રૂ. 32.54 કરોડનાં ખર્ચે નવી સાઉથ ઝોન કચેરીનાં નિર્માણની કામગીરી પુરજોશમાં ચાલી રહી છે. આ કામ પૂર્ણ થતાં જુદા-જુદા 4 વોર્ડમાં રહેતા લાખો લોકોનાં નાના-મોટા કામો ઘરઆંગણે થશે. એટલું જ નહીં આ કચેરી માટે ખાસ અધિકારીઓ ફાળવવામાં આવતા તમામ વોર્ડનો વિકાસ ઝડપી થશે.
રાજકોટ ધારાસભ્ય રમેશ ટીલાળાની રજૂઆતો બાદ મનપાનાં બજેટમાં સાઉથ ઝોન કચેરીનો સમાવેશ થયો હતો. ત્યારબાદ આ માટે જરૂરી ટેન્ડર પ્રક્રિયા કરવામાં આવી હતી. અને છેલ્લા 9 મહિનાથી રાધે ચોક ખાતેના વિશાળ પ્લોટમાં સાઉથ ઝોન કચેરીનાં નિર્માણનું કામ ઝડપભેર કરવામાં આવી રહ્યું છે. તાજેતરમાં કમિશ્નર તુષાર સુમેરાએ પણ અહીં ચાલી રહેલા કામની રૂબરૂમાં મુલાકાત લઈને આ કામ ગુણવત્તાયુક્ત રીતે અને નિયત સમયમર્યાદામાં પૂર્ણ કરવા સૂચનાઓ આપી હતી. આ કચેરી માટે ખાસ ડેપ્યુટી કમિશ્નર અને સિટી ઈજનેરની પોસ્ટ ફાળવવામાં આવનાર છે. જેને લઈને અહીંના લોકોને નાના-મોટા કામ માટે સેન્ટ્રલ ઝોન સુધી ધક્કો ખાવો પડશે નહીં.
રૂ. 32.54 કરોડના ખર્ચે આધુનિક સુવિધા સાથેનું બિલ્ડિંગ બનશે મ્યુ. કમિશ્નર તુષાર સુમેરાએ દિવ્યભાસ્કર સાથે કરેલી વાતચીતમાં આ અંગે જણાવ્યું કે, મહાનગરપાલિકામાં હાલ ત્રણ ઝોન કાર્યરત છે, ઈસ્ટ, વેસ્ટ અને સેન્ટ્રલ ઝોન. લાંબા સમયથી એક ડિમાન્ડ હતી કે સાઉથ ઝોન પણ બને જેથી કાર્યભારની વ્યવસ્થિત રીતે વહેંચણી થઈ શકે. આ બાબતે વર્ષ 2024-25 ના બજેટ આઈટમ તરીકે સાઉથ ઝોન ઓફિસ અને સાઉથ ઝોન બનાવવા માટેનો નિર્ણય લેવામાં આવ્યો હતો. જેની ઓફિસનાં નિર્માણનું કામ હાલ ઝડપભેર ચાલી રહ્યું છે.