રાજકોટ મનપાની દબાણ હટાવ ઝુંબેશ અને ગંદકી સામે કાર્યવાહી, રૂ. 6.68 લાખનો વહીવટી ચાર્જ વસૂલાયો

રાજકોટ મહાનગરપાલિકાની દબાણ હટાવ શાખા દ્વારા તા. 15થી 31ના પખવાડિયા દરમિયાન શહેરના વિવિધ વિસ્તારોમાં દબાણ હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જેમાં શહેરના વિવિધ વિસ્તારોમાંથી અલગ-અલગ વસ્તુઓ જપ્ત કરવામાં આવી હતી. આ દરમિયાન 41 રેંકડી અને કેબિન, 526 પરચુરણ ચીજવસ્તુઓ, 2027 કિલો શાકભાજી અને ફળોની સાથે સાથે 584 બોર્ડ-બેનર જપ્ત કરવામાં આવ્યા હતા. આ કાર્યવાહી દરમિયાન રૂ. 2.30 લાખનો મંડપ કમાન અને છાજલી ચાર્જ તેમજ રૂ. 4.38 લાખનો વહીવટી ચાર્જ મળીને કુલ રૂ. 6.68 લાખનો વહીવટી ચાર્જ વસૂલવામાં આવ્યો હતો.

જાહેરમાં ગંદકી અને પ્લાસ્ટિકનાં ઉપયોગ સામેમનપાની સોલિડ વેસ્ટ શાખા દ્વારા કામગીરી કરવામાં આવી હતી. જેમાં પ્રતિબંધિત પ્લાસ્ટિકનો ઉપયોગ કરવા અને જાહેરમાં ગંદકી કરવા બદલ 53 વેપારીઓ પાસેથી રૂ. 15,800નો દંડ વસૂલવામાં આવ્યો હતો. આ ચેકિંગ ખાણીપીણી, પાન પાર્લર અને પ્લાસ્ટિકની દુકાનોમાં કરવામાં આવ્યું હતું.

અન્ય સમાચાર રાજકોટ મનપાની કામગીરી વધુ અસરકારક બનાવવા મહત્વનો નિર્ણય મ્યુ. કમિશ્નર તુષાર સુમેરા દ્વારા લેવાયો છે. જેમાં મ્યુ. કમિશ્નર દ્વારા ઝોન કક્ષાની કામગીરી વધુ અસરકારક બનાવવા માટે નવો હુકમ કરવામાં આવ્યો છે. આ મુજબ, આસી. કમિશનરોને ડેપ્યુટી કમિશનર (DMC) હેઠળની તમામ કામગીરીનું સુપરવિઝન અને સંકલન સોંપવામાં આવ્યું છે. પહેલા આસી. કમિશનરો માત્ર અમુક વિભાગોનું જ કામ સંભાળતા હતા. હવે તેઓ ડેપ્યુટી કમિશનરના નેતૃત્વ હેઠળના તમામ ખાતાની કામગીરીમાં જોડાશે.

આ ફેરફારથી ડેપ્યુટી કમિશ્નર કક્ષાએ થતું સુપરવિઝન હવે વધુ મજબૂત બનશે. મ્યુ કમિશ્નરનાં આદેશ મુજબ, આસી. કમિશનર એસ.જે. ધડુકને ઇસ્ટ ઝોન, બી.એલ. કાથરોટીયાને સેન્ટ્રલ ઝોન અને ડી.એમ. ડોડીયાને વેસ્ટ ઝોનની જવાબદારી સોંપવામાં આવી છે. આ ફેરફારથી હવે સેન્ટ્રલ ઝોનને પણ ફુલટાઇમ આસી. કમિશ્નર મળ્યા છે. આ નિર્ણયથી આસી. કમિશ્નરોએ પોતાની શાખાની કામગીરી ઉપરાંત ઝોન કક્ષાએ ડેપ્યુટી કમિશનર હેઠળની ઝોનલ કામગીરી અને ફરિયાદોનું સુપરવિઝન પણ કરવાનું રહેશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *