રાજકોટ મનપાની તિજોરીમાં એક અઠવાડિયામાં 39,057 કરદાતાઓએ રૂ. 21.61 કરોડ ઠાલવ્યા

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા દર વર્ષની જેમ ચાલુ વર્ષે પણ પ્રામાણિક કરદાતાઓ માટે વેરા વળતર યોજનાનો પ્રારંભ કરવામાં આવ્યો છે. જેમાં આ વર્ષે વેરા વળતર યોજનાને જબરો પ્રતિસાદ મળી રહ્યો છે. માત્ર એક જ અઠવાડિયામાં 39,057 કરદાતાઓએ મનપાની તિજોરીમાં રૂ. 21.61 કરોડ ઠાલવી દીધા છે. તેમાં પણ સૌથી સારી બાબત એ છે કે, 80% જેટલી રકમ એટલે કે રૂ.16.79 કરોડની આવક જુદા-જુદા ઓનલાઈન માધ્યમથી થઈ છે. જ્યારે બાકીની રકમ ઓફલાઇન ભરવામાં આવી છે. જેને લઈને મનપાની કચેરીઓ તેમજ સિવિક સેન્ટરો ખાતે ખાસ કોઈ લાઈનો પણ જોવા મળી નથી.

મનપાનાં ટેક્સ વિભાગના મેનેજર વત્સલ પટેલે આ અંગે દિવ્યભાસ્કરને જણાવ્યું હતું કે, પ્રામાણિક કરદાતાઓ માટે મનપા દ્વારા 8 એપ્રિલથી વેરા વળતર યોજના શરૂ કરવામાં આવી છે. જેમાં પુરુષોને 10% અને મહિલાઓ માટે 15% વળતર આપવામાં આવી રહ્યું છે. આ યોજના શરૂ થયાનાં એક જ અઠવાડિયામાં ખૂબ જ સારો પ્રતિસાદ મળી રહ્યો છે અને આજ સુધીમાં 39,057 કરદાતાઓ દ્વારા આ યોજના હેઠળ રૂ. 21.61 કરોડનો વેરો ભરી દેવામાં આવ્યો છે. જેમાં પણ 30,828 કરદાતાઓ દ્વારા રૂપિયા 16.79 કરોડ ઓનલાઈન માધ્યમથી ભરવામાં આવ્યા છે. આ માધ્યમ માટે લોકોમાં જાગૃતિ આવી છે તેમજ ઓનલાઈન વેરો ભરવામાં વધારાનું વળતર આપવામાં આવતું હોવાથી લોકો ઓનલાઈન વેરો ભરવાનું પસંદ કરી રહ્યા છે.

વધુમાં તેમણે જણાવ્યું કે, ચાલુ વર્ષે અત્યાર સુધીમાં થયેલી વસૂલાત ગત વર્ષ કરતા લગભગ 20% વધારે છે કારણ કે, ગત વર્ષે આ સમયગાળામાં એટલે કે 15 એપ્રિલ સુધીમાં રૂ.17.85 કરોડની વસૂલાત થઇ હતી. જેની સામે આ વર્ષે રૂ. 21.61 કરોડની વસૂલાત કરવામાં આવી ચૂકી છે. ગત વર્ષે માત્ર થોડી રકમ માટે ટાર્ગેટ અધૂરો રહ્યો હતો ત્યારે મ્યુ. કમિશ્નરનાં આદેશ અનુસાર ચાલુ વર્ષે વેરા વસૂલાતની કામગીરી અત્યારથી જ પૂરજોશમાં શરૂ કરી દેવામાં આવી છે અને નવા નાણાકીય વર્ષમાં ટાર્ગેટ કરતા વધુ વેરાની વસૂલાત થઈ શકે તે દિશામાં પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *