આગામી તા. 19 નવેમ્બરના રોજ રાજકોટ મનપાનો સ્થાપના દિવસ છે. ત્યારે કરોડોના વિકાસ કામોના લોકાર્પણો અને ભૂમિપૂજનો, સંગીત સંધ્યા સહિતના કાર્યક્રમો નકકી થઇ રહ્યા છે. જેમાં રેસકોર્સની આર્ટ ગેલેરીમાં ‘રાજકોટની કલ આજ ઔર કલ’ નામથી વિશાળ ચિત્ર પ્રદર્શનનું આયોજન પણ કરવામાં આવી રહ્યું છે. રાજકોટ મહાપાલિકાની પાંચ દાયકાની વિકાસ યાત્રા આ ચિત્ર પ્રદર્શન સાથે સજીવન કરવામાં આવશે. ફોટોગ્રાફસ સાથે વિકાસ યાત્રા, આ વિકાસના સારથી, મહાનગરની પાણીથી માંડી બ્રીજ સહિતની યોજનાઓ, ભુતકાળ, વર્તમાન અને ભવિષ્યના રાજકોટની ઝલક પણ રજૂ કરાશે. મહાપાલિકાએ એકંદરે પાંચ દાયકાનું રાજકોટ આર્ટ ગેલેરીમાં જીવંત થાય એવી તૈયારી કરી છે. સાથે જ મુખ્યમંત્રીને પણ વિવિધ વિકાસ કામોના લોકાર્પણ અને ભૂમિપૂજનો, આર્ટ ગેલેરીની મુલાકાતે લાવવા પ્રયાસો કરાઇ રહ્યા છે. કમિશનર અને કલેક્ટર દ્વારા સરકારમાં આ માટે રજૂઆત કરવામાં આવી હોવાનું અને સીએમઓના જવાબની રાહ જોવાઇ રહ્યાનું સુત્રોમાંથી જાણવા મળ્યું છે.
રાજકોટ અને પોરબંદર વચ્ચે બે નવી ટ્રેન દોડશે ભારતીય રેલવે દ્વારા પોરબંદર, દેવભૂમિ દ્વારકા, રાજકોટ અને જામનગરમાં રેલવે સુવિધાઓના વિસ્તરણ અને સુધારણા માટે તાજેતરમાં ગત ઓગસ્ટમાં બે પેસેન્જર ટ્રેનની જાહેરાત કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ અને પોરબંદર લોકસભાના સાંસદ તેમજ કેન્દ્રીય મંત્રી ડો. મનસુખ માંડવિયા દ્વારા કરવામાં આવી હતી. જે અંતર્ગત આગામી 14મી નવેમ્બરથી આ બે પેસેન્જર ટ્રેનનો પ્રારંભ થવા જઈ રહ્યો છે. એકસાથે ચાર જિલ્લામાંથી પસાર થતી આ સુવિધા સૌરાષ્ટ્રના વિકાસના નવા દ્વાર ખોલશે અને લાખો મુસાફરોને તેનો લાભ મળશે. રાજકોટ-પોરબંદર-રાજકોટ વાયા જેતલસર જંક્શન રેલવે રૂટની મંજૂર થયેલી બે ટ્રેન પૈકી એક ટ્રેન ડેઇલી ચાલશે. જ્યારે બીજી ટ્રેન સપ્તાહમાં પાંચ દિવસ દોડશે. 14મી એ નવી પ્રારંભ થઇ રહેલી આ ટ્રેનને લીલી ઝંડી આપી કેન્દ્રિય મંત્રી માંડવિયા, રાજ્ય કેબિનેટ મંત્રી અર્જુન મોઢવાડિયા, સાંસદ સભ્ય પરસોત્તમભાઈ રૂપાલા, રાજ્યસભા સાંસદ રામભાઈ મોકરિયા, વિવિધ વિસ્તારના ધારાસભ્યો સહિતના અગ્રણીઓ ટ્રેનમાં બેસી રાજકોટથી પોરબંદર સુધી મુસાફરી કરશે. અનેક રેલ્વે સ્ટેશનો પર વિવિધ મંડળો, સંગઠનો આગેવાનો સ્વાગત કરશે. કેન્દ્રીય મંત્રી ડો.માંડવિયા એ જણાવ્યું હતું કે, આ સુવિધાથી રાજકોટ, પોરબંદર, દેવભૂમિ દ્વારકા અને જામનગર જિલ્લામનાં લોકોનુ જીવન આસાન થશે સાથે જ વ્યાપાર, વાણિજય અને પ્રવાસનને વેગ મળશે.