ચાલુ નાણાંકીય વર્ષના આજે અંતિમ દિને આજરોજ મહાપાલિકાની વેરા શાખાએ વધુ 1.13 કરોડની વસુલાત કરતા કુલ આવક 409.20 કરોડ પર પહોંચી છે. એટલે કે નાણાકીય વર્ષનો 410 કરોડનો ટાર્ગેટ ઓલમોસ્ટ એચિવ થયો છે. આજે વોર્ડ નંબર 18ના કોઠારીયા રોડ પર મોટી વસુલાત કાર્યવાહી કરવામાં આવી હતી. તેમજ વોર્ડ નં.7ના વિજય પ્લોટ, વોર્ડ નં. 14ના મિલપરાના પરમેશ્વર એપાર્ટમેન્ટમાં એક મિલકત સીલ કરાઇ હતી. જ્યારે જુદા જુદા વિસ્તારમાં 5 નળ જોડાણ કપાત કરતા ચેક જમા થયા હતા. વોર્ડ નં. 4, 5, 6, 7 અને 13માં ચેક જમા થયા હતા. વોર્ડ નં. 14ના માસ્ટર સોસાયટી, વાણિયાવાડી, ગુંદાવાડી, લક્ષ્મીવાડી, વોર્ડ નં. 17ના નહેરૂનગરમાં બાકીદારોએ ચેક આપ્યા હતા. જ્યારે વોર્ડ નં. 18ના કોઠારીયા રોડના જય ગુરૂદેવ કોમ્પ્લેક્સ, શુમંગલમ પાર્ક, રાધેશ્યામ સોસાયટી અને કોઠારીયા રોડ પર નળ જોડાણ કાપતા આસામીઓએ ચેક આપતા આજે 1.13 કરોડની વસુલાત થઈ હતી.
રાજકોટ મનપાની સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ શાખાએ બે દિવસમાં અલગ અલગ વિસ્તારમાં ચેકીંગ કરી કુલ 62 ધંધાર્થી પાસેથી 2.73 કિલો પ્લાસ્ટિક જપ્ત કર્યુ હતું. તો દુકાનો-લારીઓ બહાર જાહેરમાં ગંદકી કરતા વેપારીઓ પાસેથી રૂા. 23,500નો દંડ વસુલવામાં આવ્યો હતો. આ કામગીરી મનપાની જુદી-જુદી ટીમો દ્વારા ત્રણેય ઝોનનાં જુદા-જુદા વિસ્તારોમાં કરવામાં આવી હતી. નવનિયુક્ત મનપા કમિશનર દ્વારા શરૂ કરવામાં આવેલી પ્રતિબંધિત પ્લાસ્ટિક વિરોધી ઝુંબેશ અંતર્ગત શહેરના અલગ અલગ વિસ્તારોમાં આગામી દિવસોમાં પણ આ કામગીરી ચાલુ રાખવામાં અવનાર છે.