રાજકોટ મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરાએ ગત 4 ફેબ્રુઆરીના રોજ સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ નાણાકીય વર્ષ 2026-27નું ડ્રાફ્ટ બજેટ રજૂ કર્યા બાદ, હવે સમગ્ર શહેરની નજર આગામી મંગળવાર પર ટકેલી છે. સ્ટેન્ડિંગ કમિટી દ્વારા બજેટનો તલસ્પર્શી અભ્યાસ પૂર્ણ કરી લેવામાં આવ્યો છે અને 10 ફ્રેબુઆરી, મંગળવારે ફાઇનલ બજેટ જાહેર કરવામાં આવશે. ખાસ કરીને આગામી મે માસમાં મહાનગરપાલિકાની સામાન્ય ચૂંટણીઓ યોજાવાની શક્યતા છે, ત્યારે વર્તમાન શાસકો મતદારોને રીઝવવા માટે બજેટમાં મોટી રાહતોની જાહેરાત કરી શકે છે.
મહાપાલિકાની કથળતી જતી આર્થિક સ્થિતિ અને લાંબા સમયથી બાકી રહેલા મિલકત વેરાની વસૂલાત માટે આ વખતે વ્યાજ માફીની યોજના (એમ્નેસ્ટી સ્કીમ) લાવવા માટેની હિલચાલ તેજ બની છે. છેલ્લા બે વર્ષથી અમલમાં રહેલી વન ટાઈમ ઇન્સ્ટોલમેન્ટ સ્કીમને ધાર્યો પ્રતિસાદ ન મળતા હવે શાસકો વ્યાજ માફીનું હથિયાર અજમાવી તિજોરી ભરવા પ્રયાસ કરે તેવી શક્યતા છે. ઉપરાંત મ્યુ. કમિશ્નરે લાદેલો વધારાનો કરબોજ હટાવી લોકઉપયોગી નવી યોજનાઓનો પણ બજેટમાં સમાવેશ કરવામાં આવે તેવી શક્યતા છે.
રાજકોટ મહાનગરપાલિકાની વર્તમાન આર્થિક સ્થિતિ અત્યંત નાજુક તબક્કામાંથી પસાર થઈ રહી છે. મ્યુનિસિપલ કોર્પોરેશનનો વહીવટ ચલાવવા અને કર્મચારીઓના પગાર ચૂકવવા માટે પણ ટેક્સની આવક પૂરતી ન હોવાનું સામે આવ્યું છે. હાલની સ્થિતિ એવી છે કે વિકાસકાર્યો અને વહીવટી ખર્ચને પહોંચી વળવા માટે મહાપાલિકાએ રૂ. 200 કરોડની લોન લેવી પડે તેવી નોબત આવી છે. ટેક્સ વિભાગ દ્વારા અગાઉ જે વન ટાઈમ ઇન્સ્ટોલમેન્ટ સ્કીમ અમલમાં મૂકવામાં આવી હતી, તેમાં આસામીઓએ ખાસ રસ દાખવ્યો નથી.