રાજકોટ મનપાના ફૂડ વિભાગ દ્વારા ખાણીપીણીનાં 20 એકમોમાં તપાસ, તેલ-ફરસાણ સહિતના નમૂના લેવાયા

રાજકોટ મહાનગરપાલિકાના ફૂડ વિભાગ દ્વારા શહેરના ગોવર્ધન ચોકથી માધવપાર્ક ગેટ સુધીના વિસ્તારમાં કડક ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. FSW વાન સાથે નીકળેલી ટીમ દ્વારા કુલ 20 ધંધાર્થીઓની ચકાસણી કરવામાં આવી હતી. જેમાં લાયસન્સ વગર વેપાર કરતા 12 એકમોને તાકીદે લાયસન્સ મેળવી લેવા સૂચના આપવામાં આવી હતી. આ કામગીરી દરમિયાન સ્થળ પર જ ખાદ્ય ચીજોના 20 નમૂનાઓની પ્રાથમિક તપાસ કરવામાં આવી હતી.

12 ધંધાર્થીઓને લાયસન્સ બાબતે નોટિસ ફટકારાઈ તપાસ દરમિયાન ક્રિષ્ના ડેરી ફાર્મ, તુલસી પ્રોવિઝન સ્ટોર, શ્રી ગોકુલ પાર્લર અને મહાકાળી પાણીપુરી સહિતના 12 ધંધાર્થીઓને લાયસન્સ બાબતે નોટિસ ફટકારવામાં આવી હતી. આ ઉપરાંત, ફૂડ સેફ્ટી સ્ટાન્ડર્ડ એક્ટ 2006 હેઠળ બાપુનગર સ્થિત બી-નીવા સ્નેક્સમાંથી ‘યૂઝ્ડ પામોલિન ઓઈલ’ અને ‘કઠોળ સ્ટીક ફરસાણ’ના નમૂના લઈને તેને લેબોરેટરીમાં પરીક્ષણ માટે મોકલવામાં આવ્યા હતા. આરોગ્ય વિભાગની આ કડક કાર્યવાહીથી અખાદ્ય ચીજોનું વેચાણ કરતા વેપારીઓમાં ફફડાટ વ્યાપી ગયો છે.

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શહેરના વિવિધ ટી.પી. પ્લોટમાં ઉનાળાની સિઝન માટે રસના ચીચોડા અને ગોલાના વ્યવસાય માટે ગાળા ફાળવવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. આ માટે આગામી 4 ફેબ્રુઆરી, 2026ના રોજ સાંજે 4:00 કલાકે સેન્ટ્રલ ઝોન કચેરી ખાતે જાહેર હરરાજી યોજાશે. મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા 10×10 ચોરસ ફૂટના ગાળા માટે રૂ. 250 પ્રતિદિનનું અપસેટ ભાડું નક્કી કરવામાં આવ્યું છે. આ વ્યવસાયનો સમયગાળો 6 ફેબ્રુઆરીથી 15 જૂન 2026 સુધી રહેશે.

હરરાજીમાં ભાગ લેવા ઈચ્છતા અરજદારે ગાળા દીઠ રૂ. 5000 સિક્યુરિટી ડિપોઝીટ સિવિક સેન્ટરમાં ભરી તેની અસલ પહોંચ રજૂ કરવાની રહેશે. સફળ અરજદારે દ્વિ-માસિક ભાડું એકસાથે ચૂકવવાનું રહેશે. જો કોઈપણ અરજદાર નિયત સમયમાં રકમ નહીં ભરે તો તેની ડિપોઝીટ જપ્ત કરી તેને 3 વર્ષ માટે ડિબાર કરવામાં આવશે. અહીં સ્ટોલ ધારકોએ વીજ જોડાણમાં PGVCLના સુરક્ષા નિયમોનું પાલન કરવાનું રહેશે અને કોઈપણ દુર્ઘટના માટે તેઓ જ જવાબદાર રહેશે. તેમજ આ હરરાજી કે ફાળવણી અંગે મ્યુનિસિપલ કમિશનરનો નિર્ણય આખરી ગણાશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *