રાજકોટ મનપાના ફૂડ વિભાગની કાર્યવાહી

રાજકોટ મહાનગરપાલિકાના ફૂડ વિભાગ દ્વારા શહેરમાં ખાદ્ય પદાર્થોની ગુણવત્તા અને સ્વચ્છતા જાળવવા માટે સઘન ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. જેના ભાગરૂપે આજે વિવિધ વિસ્તારોમાં સર્વેલન્સ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું, જેમાં અનેક વેપારીઓને ત્યાંથી વાસી અને અખાદ્ય જથ્થો ઝડપી પાડી તેનો નાશ કરવામાં આવ્યો હતો. તેમજ આરોગ્યલક્ષી નિયમોનું પાલન કરવા માટે 8 પેઢીઓને નોટિસ આપવામાં આવી હતી. સાથે જીવાત વાળા લોટ સહિત 72 કિલો અખાદ્ય પદાર્થનો સ્થળ પર નાશ કરાયો હતો. તો સેઝવાન ચટણી સહિત 6 નમૂના લેવામાં આવ્યા હતા.

ફૂડ વિભાગે કૈલાશ ગાંઠિયા, લાભ કોમ્પલેક્ષ, તોરલ પાર્ક મેઇન રોડ, યુનિ.રોડ ખાતે તપાસ કરવામાં આવી હતી. આ પ્રખ્યાત ગાંઠિયાની પેઢી ઉપર તપાસ કરતા, તેમના ફ્રિઝમાં 28 કિ.ગ્રા. વાસી અને અખાદ્ય ચટણીનો જથ્થો મળી આવ્યો હતો. જેનો સ્થળ પર નાશ કરવામાં આવ્યો હતો. વધુમાં, પેઢીને સ્વચ્છતા જાળવવા (હાઈજેનિક કન્ડિશન), ખાદ્ય સામગ્રીનો યોગ્ય સંગ્રહ કરવા (યોગ્ય સ્ટોરેજ), અને ફૂડ લાયસન્સ સંબંધિત નિયમોનું પાલન ન કરવા માટે નોટિસ ફટકારવામાં આવી હતી.

અખાદ્ય જથ્થાનો સ્થળ પર જ નાશ કરવામાં આવ્યો ઉપરાંત દેવ ફાસ્ટ ફૂડ, શોપ નં.4, અભિજીત એપાર્ટમેન્ટ, ICICI બેન્ક સામે, નિર્મલા રોડ, રાજકોટમાં પણ તપાસ કરવામાં આવી હતી. આ ફાસ્ટ ફૂડની દુકાનમાં તપાસ દરમિયાન ચોંકાવનારી વિગતો સામે આવી હતી. અહીંથી એક્સપાયરી ડેટ વગરના 15 કિ.ગ્રા. બ્રેડ અને પીઝા, તેમજ 15 કિ.ગ્રા. જીવાતવાળો લોટ મળી આવ્યો હતો. આ ઉપરાંત, 14 કિ.ગ્રા. વાસી પંજાબી ગ્રેવી, દાળ અને ચટણી પણ મળી આવી હતી. આમ, કુલ મળીને 44 કિ.ગ્રા. અખાદ્ય જથ્થાનો સ્થળ પર જ નાશ કરવામાં આવ્યો હતો. આ પેઢીને પણ હાઈજેનિક કન્ડિશન, યોગ્ય સ્ટોરેજ જાળવવા અને લાયસન્સ બાબતે નોટિસ આપવામાં આવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *