રાજકોટ મનપાના જનરલ બોર્ડમાંથી વિપક્ષ નેતાને બહાર કાઢ્યા, કહ્યું- 5 દિવસના વરસાદમાં 250 ગાયોનાં ભૂખ-ઠૂંઠવાઈ જવાથી મોત

દર વખતની જેમ આ વખતે પણ રાજકોટ મનપાનું દ્વિમાસિક જનરલ બોર્ડ તોફાની રહ્યું હતું. આ બોર્ડમાં વિપક્ષે રોડ-રસ્તા, સ્મશાનના લાંકડાનો કોન્ટ્રાક્ટ, ગૌ માતાના મોત સહિતના પ્રશ્નો ઉઠાવતા મેયર જવાબ અપાવી શક્યા નહોતા. જે બાદ વિપક્ષે પોસ્ટર દ્વારા વિરોધ નોંધાવતા તેમને બોર્ડમાંથી બહાર કઢાયા હતાં. મીડિયા સાથેની વાતચીતમાં વિપક્ષ નેતા વશરામ સાગઠિયાએ જણાવ્યું હતું કે, પાંચ દિવસના વરસાદમાં 250 ગાયો ભૂખથી અને ઠંડીથી ઠૂઠવાઈને મૃત્યુ પામી છે. આ ગૌ હત્યા છે અને તેનું પાપ ભાજપના નેતાઓને લાગશે. શહેરમાં 12,000થી વધુ ખાડાઓ છે. ગેરેન્ટીવાળા ડામર રોડ તૂટે તો જવાબદારી કોની?

આજે રાજકોટ મનપાનું જનરલ બોર્ડ મળ્યું હતું, જેમાં ભાજપના સભ્યોએ રાબેતા મુજબ સરકારી કામગીરી અને એક્શન પ્લાન સહિતના પ્રશ્નો રજૂ કર્યા હતા. જ્યારે કોંગ્રેસના સભ્યોએ ઢોર ડબ્બા, ડ્રેનેજની ફરિયાદો, ફાયર NOC, આજી રિવરફ્રન્ટ, સફાઇ કામદારોના સેટઅપ, સ્મશાનનાં લાકડાંના નિકાલ, બાંધકામ પ્લાન જેવી માહિતી માગી છે. આજે બોર્ડમાં પ્રથમ પ્રશ્ન ભાજપના વોર્ડ નંબર 1ના કોર્પોરેટર હિરેન ખીમાણિયાનો હતો. તેમણે જુદા-જુદા વોર્ડના એકશન પ્લાન, વેરા વસૂલાત શાખાની કામગીરી અંગે માહિતી માગી હતી. જોકે આ પ્રશ્નનો જવાબ ચાલુ હતો, દરમિયાન વિપક્ષ દ્વારા પેટાપ્રશ્નોનું કહી હાથમાં બીપીએમસી એક્ટ લઇ બોર્ડમાં વિરોધ નોંધાવ્યો હતો. સાથે વિપક્ષ નેતા વસરામ સાગઠિયાએ શાસકોને BPMC એકટના નિયમો જાહેરમાં સમજાવ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *