રાજકોટ મહાપાલિકામાં કોર્પોરેટર પદેથી બે વર્ષ અગાઉ ગેરલાયક ઠેરવવામાં આવેલા કોંગ્રેસના વશરામભાઈ સાગઠીયા અને કોમલબેન ભારાઇને પદ પરથી ઉતારતો હુકમ તાજેતરમાં હાઈકોર્ટે રદ્દ કર્યો હતો. છતાં કોર્પોરેશને સત્તાવાર રીતે સરકારમાંથી હુકમ ન મળતા બંને સભ્યને જનરલ બોર્ડમાં બેસવા દેવામાં આવ્યા ન હતા. દરમિયાન આ મામલે ગઇકાલે રાજ્ય સરકારે હાઈકોર્ટના હુકમનો અમલ કરવા માર્ગદર્શન આપી દેતા બંને કોર્પોરેટરના પદ પુન: સ્થાપિત થઇ ગયાનું મનપાએ જાહેર કર્યુ છે. જોકે કોંગ્રેસના કોર્પોરેટરો કોર્ટના ઓર્ડરની તારીખથી આજ સુધીની બાકી ગ્રાન્ટ મળવી જોઈએ તેવું કહે છે. જેની સામે તંત્ર દ્વારા આજથી ગ્રાન્ટ લાગુ થશે તેવું રટણ ચાલુ રાખતા વિવાદ થવાનાં એંધાણ વર્તાઈ રહ્યા છે.
પ્રાપ્ત વિગત મુજબ શાસક પક્ષ તરફથી સરકાર સાથે સંકલન કરતા સેક્રેટરી હરીશ રૂપારેલીયા પર આ અંગે પત્ર આવી ગયો હતો. તે બાદ મેયર નયના પેઢડિયાએ જણાવ્યું હતું કે, ઔપચારિકતા પૂરી કરી બંને કોર્પોરેટરને સભ્યપદે યથાવત રાખવા અંગે સૂચના આપી દેવામાં આવી છે. અગાઉ વશરામ સાગઠિયા અને કોમલ ભારાઈ ‘આપ’ પાર્ટીમાંથી વિધાનસભાની ચૂંટણી લડતા કોંગ્રેસે જ બંને કોર્પોરેટરને પક્ષાંતર ધારા હેઠળ પદભ્રષ્ટ ઠેરવ્યા હતા. આ બાદ તાજેતરમાં બંને સભ્યો ફરી કોંગ્રેસમાં સામેલ થતા પાર્ટીએ સરકારમાંથી ફરિયાદ પાછી ખેંચી હતી.