રાજકોટ મનપાનાં ફૂડ વિભાગ દ્વારા આવતા સપ્તાહે આવનાર હોળી-ધુળેટીના પર્વને ધ્યાનમાં લઇ ખજૂરનાં સેમ્પલની કામગીરી શરૂ કરવામાં આવી છે. જે અંતર્ગત કંદોઇ બજારની ત્રણ પેઢીમાંથી ખજુરના સેમ્પલ લેવામાં આવ્યા હતા. તેમજ 150 ફુટ રોડ પરના મેકડોનાલ્ડસ રેસ્ટોરન્ટમાંથી ચીઝ, ચીકન બર્ગર સહિતના કુલ જુદા- જુદા 8 સેમ્પલ લઇ લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા હતા. આ સાથે જ આજી ઇન્ડ. એસ્ટેટમાં એ-215માં આવેલા વેપારી પાસેથી ચીઝ અને પનીરનાં પણ નમુના લેવાયા હતા. જ્યારે સોરઠીયા વાડી સર્કલ નજીક કુલ 13 વેપારીઓને લાયસન્સ માટેની નોટિસો આપવામાં આવી હતી.
પ્રાપ્ત વિગત મુજબ ધુળેટીના પર્વને લઈને હાલ બજારમાં ધાણી, દાળીયા, ખજુર સહિતની સીઝનલ વસ્તુઓનું ધુમ વેચાણ ચાલુ થયું છે. તેની ગુણવત્તા આરોગ્યપ્રદ છે કે, નહીં તે ચકાસવા ફૂડ વિભાગ દ્વારા કંદોઈ બજારમાં ચેકીંગ કરવામાં આવ્યું હતું. ઘી કાંટા રોડ ઉપર આવેલ કંદોઇ બજારની ઠોસા ગલીમાં રસીકલાલ નટવરલાલ તન્ના, ભગવાન ટ્રેડર્સ અને મગનલાલ એન્ડ કંપનીમાંથી જાયદી ખજુરના ત્રણ નમુના ચકાસણી માટે લેવામાં આવ્યા હતા.
ઉપરાંત 150 ફુટ રોડ પર બીગ બજાર સામે રિલાયન્સ મોલમાં આવેલા મેકડોનાલ્ડસ રેસ્ટોરન્ટમાંથી ચીકન સરપ્રાઇઝ બર્ગર અને પ્રોસેસ્ડ લુઝ ચીઝ સ્લાઇસના નમુના લેવામાં આવ્યા હતા. તો આજી ઇન્ડ. એસ્ટેટમાં એ-215માં પહેલા માળે આવેલ કવીન્સ ફૂડ એન્ડ બેવરેજીસમાંથી ડાઇસ મોજરેલા ચીઝ, ડેલારા મલાઇ પનીર અને ડાઇસ મોજરેલા બ્લેન્ડ ચીઝના સેમ્પલ પણ એક-એક કિલોના પેકીંગમાંથી લેવામાં આવ્યા હતા.