દેશભરમાં આજે ગણેશોત્સવ પૂર્ણ થયો છે ત્યારે રાજકોટમાં આજે ગણપતિ વિસર્જન કરવામાં આવ્યું હતું. જોકે, હજારો કિલો મોદક વેંચાયા બાદ આજે રાજકોટ મનપાના ફૂડ વિભાગ દ્વારા મોદક સહિત જુદા-જુદા 10 સ્થળેથી મીઠાઈના નમુના લીધા છે. મહાપાલિકાની આરોગ્ય અને ફૂડ શાખાએ આ 10 દિવસમાં હજારો કિલો વેંચાઇ ગયેલા અને ભકતોના પેટમાં પહોંચી ગયેલા લાડુ સહિતની જુદી જુદી મીઠાઇઓના 10 નમુના લીધાનું આજે જાહેર કર્યુ છે. જેનો રિપોર્ટ દિવાળી બાદ આવે તેવી શક્યતા છે.
રાજકોટ મનપાના ફૂડ વિભાગે આપેલી વિગત મુજબ હાલમાં તહેવારના દિવસો ચાલી રહ્યા છે. ટૂંક સમયમાં નવરાત્રિ અને દિવાળીના તહેવારો આવી રહ્યા છે. જેમાં લોકો મીઠાઈનું મોટા પ્રમાણમાં સેવન કરતા હોવાથી જુદા જુદા વિસ્તારમાંથી 10 નમુના લેવામાં આવ્યા હતા. જેમાં મવડી પ્લોટમાં નવરંગપરા-1માં આવેલ શિવશકિત ગૃહઉદ્યોગમાંથી મોતીચૂર લાડુ, કોઠારીયા રિંગ રોડની તિરૂપતિ સોસાયટી-2માં સાક્ષી ગૃહઉદ્યોગમાંથી મોતીચૂર લાડુ, ગણેશનગરમાં ગજાનન પાપડી ગૃહઉદ્યોગમાંથી મોતીચૂર લાડુ અને કોઠારીયા રોડના જ શિવશકિત ગૃહ ઉદ્યોગમાંથી ગુંદીના લાડુના નમુના લેવાયા હતા.