રાજકોટ મનપાનાં ચોપડે ડેંગ્યુ 4, મેલેરિયાનાં 2 સહિત વિવિધ રોગોનાં 1,887 કેસ નોંધાયા

રાજકોટમાં મિશ્ર ઋતુનાં કારણે રોગચાળો વકરી રહ્યો છે. જેમાં પાણીજન્ય રોગો ટાઇફોઇડ અને કમળો પીછો છોડવા તૈયાર ન હોય તેમ ચાલુ સપ્તાહે કમળાનો વધુ 1 અને ટાઇફોઇડનાં વધુ 3 કેસ નોંધાયા છે. લાંબા સમયથી શાંત રહેલા ડેંગ્યુનાં 4 અને મેલેરિયાનાં પણ 2 કેસ સામે આવ્યા છે. સાપ્તાહિક આંકડાઓ અનુસાર શહેરમાં શરદી-ઉધરસ, તાવ તેમજ ઝાડા-ઉલટી સહિત વિવિધ રોગના 1,887 દર્દી નોંધાયા છે. જેને લઈને આરોગ્ય વિભાગ વધુ સતર્ક બન્યું છે. શહેરનાં વિવિધ વિસ્તારોમાં ફોગીંગ અને પોરા નાશક કામગીરી ઝડપી કરવામાં આવી છે.

પ્રાપ્ત વિગત મુજબ છેલ્લા સપ્તાહમાં મનપા સંચાલિત આરોગ્ય કેન્દ્રોમાં મોટી સંખ્યામાં દર્દીઓ ઉમટી પડતા લાંબી કતારો જોવા મળી હતી. અને મનપાનાં ચોપડે વિવિધ રોગોનાં 1,887 કેસ નોંધાયા હતા. જેમાં શરદી- ઉધરસનાં 899 કેસ, ઝાડા-ઉલટીનાં 137 કેસ, સામાન્ય તાવનાં 840 કેસ નોંધાયા છે. અને જોખમી ટાઇફોઇડ તાવનાં 3 અને કમળાનો પણ વધુ 1 કેસ નોંધાયો હતો. મચ્છરજન્ય રોગચાળામાં ડેંગ્યુનાં 4 અને મેલેરિયાનાં વધુ 2 કેસ નોંધાયા હતા. જોકે આંકડાઓ માત્ર સરકારી આરોગ્ય કેન્દ્રોનાં છે. ત્યારે નાના-મોટા ખાનગી ક્લિનિકો ધ્યાનમાં લઈએ તો દર્દીનો કુલ આંકડો 9,000 કરતા પણ વધુ હોવાની શક્યતા છે.

મનપાનાં આરોગ્ય અધિકારી ડો. જયેશ વાંકાણીએ જણાવ્યું હતું કે, હાલ વરસાદની ઋતુ ઉપરાંત પાણીમાં મોટા ભાગે કન્ટામિનેશનની ફરિયાદો આવતી હોય છે. ઉપરાંત જોવા જઈએ તો હિપેટાઇટિસ એટલે કે કમળા કેસ ઉપરાંત ટાઇફોઇડના કેસ છૂટાછવાયા વિસ્તારોમાં અમુક નોંધાઈ રહ્યા છે. હાલ કન્ટામિનેશનની પાણીની ફરિયાદો આવી રહી છે તે વિસ્તારોમાં છૂટાછવાયા કેસ નોંધાતા હોય છે. અમારી ટીમ દ્વારા દૈનિક દરેક કેસનું ટ્રેકિંગ કરે છે. અને ખાસ કરીને પીડીયુ મેડિકલ કોલેજની ખાસ ટીમની મદદથી પણ આ બાબતે કારણો અંગેની ચર્ચા-વિચારણા કરીને સચોટ માર્ગદર્શન મેળવવામાં આવે છે અને એનુંસંધાને કાર્યવાહી હાલ કરવામાં આવે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *