રાજકોટ મનપાનાં ચોપડે કમળાનાં 4, ટાઇફોઇડ 3 અને ડેંગ્યુનાં 4 સહિત વિવિધ રોગોનાં 1,859 કેસ

રાજકોટમાં મિશ્ર ઋતુનાં કારણે રોગચાળો વકરી રહ્યો છે. જેમાં પાણીજન્ય રોગો ટાઇફોઇડ અને કમળો પીછો છોડવા તૈયાર ન હોય તેમ ચાલુ સપ્તાહે કમળાનાં વધુ 4 અને ટાઇફોઇડનાં વધુ 3 કેસ નોંધાયા છે. મચ્છરજન્ય રોગચાળામાં ડેંગ્યુનાં 4 અને મેલેરિયા, ચિકનગુનિયાનાં પણ વધુ 1-1 દર્દી સામે આવ્યા છે. સાપ્તાહિક આંકડા અનુસાર શહેરમાં શરદી-ઉધરસ, તાવ, ઝાડા-ઉલટી સહિત વિવિધ રોગના 1,859 દર્દીઓ નોંધાયા છે. જેને લઈને આરોગ્ય વિભાગ વધુ સતર્ક બન્યું છે. શહેરનાં વિવિધ વિસ્તારોમાં પાણીમાં ક્લોરીનેશનની ચકાસણી તેમજ ફોગીંગ અને પોરા નાશક કામગીરી ઝડપી કરવામાં આવી છે.

પ્રાપ્ત વિગત મુજબ છેલ્લા સપ્તાહમાં મનપા સંચાલિત આરોગ્ય કેન્દ્રોમાં મોટી સંખ્યામાં દર્દીઓ ઉમટી પડતા લાંબી કતારો જોવા મળી હતી. અને મનપાનાં ચોપડે વિવિધ રોગોનાં 1,859 કેસ નોંધાયા હતા. જેમાં શરદી- ઉધરસનાં 869 કેસ, ઝાડા-ઉલટીનાં 139 કેસ, સામાન્ય તાવનાં 838 કેસ નોંધાયા છે. અને જોખમી ટાઇફોઇડ તાવનાં 3 અને કમળાનાં પણ વધુ 4 કેસ નોંધાયા હતા. મચ્છરજન્ય રોગચાળામાં ડેંગ્યુનાં 4 અને ચિકનગુનિયા તેમજ મેલેરિયાનાં વધુ 1-1 કેસ નોંધાયા હતા. જોકે આંકડાઓ માત્ર સરકારી આરોગ્ય કેન્દ્રોનાં છે. ત્યારે નાના-મોટા ખાનગી ક્લિનિકો ધ્યાનમાં લઈએ તો દર્દીનો કુલ આંકડો 9,000 કરતા પણ વધુ હોવાની શક્યતા છે.

મનપાનાં આરોગ્ય અધિકારી ડો. જયેશ વાંકાણીએ જણાવ્યું હતું કે, હાલ પાણીમાં કન્ટામિનેશનની ફરિયાદો આવતી હોય છે. ઉપરાંત જોવા જઈએ તો હિપેટાઇટિસ એટલે કે કમળા કેસ ઉપરાંત ટાઇફોઇડના અમુક કેસ છૂટાછવાયા વિસ્તારોમાં નોંધાઈ રહ્યા છે. ખાસ પાણીમાં કન્ટામિનેશનની ફરિયાદો આવી રહી છે તે વિસ્તારોમાં કમળો અને ટાઇફોઇડનાં છૂટાછવાયા કેસ નોંધાતા હોય છે. અમારી ટીમ દ્વારા દૈનિક દરેક કેસનું ટ્રેકિંગ કરે છે. અને પાણીમાં ક્લોરીનેશનની માત્રા ચકાસવા ઉપરાંત પાણીની લાઈનો અને ભૂગર્ભની લાઈનો એક થતી હોય ત્યાં તાત્કાલિક રીપેરીંગ સહિતની કામગીરી કરવામાં આવી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *