રાજકોટ કોર્પોરેશનની વેરા વસુલાત શાખા દ્વારા બાકી વેરો વસૂલવા માટે ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે. એ દરમિયાન આજે જુદા જુદા વિસ્તારમાં વધુ 12 મિલકત સીલ કરીને 10 નળ કનેકશન કાપવામાં આવ્યા હતા. જેમાં શહેરનાં વિવિધ વિસ્તારોમાં વેરા વિભાગની ટીમો ફરી વળી હતી. જેમાં આજે વેરા શાખાએ સાત નળ કનેક્શન કાપ્યા હતા અને ત્રણ કટ કરતા આસામીઓએ ચેક આપી દેતા નળ કનેક્શન કટ કર્યા ન હતા. જ્યારે અન્ય ત્રણ યુનિટને જપ્તી નોટીસ ફટકારવામાં આવી હતી. આજે રૂ. 30.77 લાખની રીકવરી કરવામાં આવી હતી. જેને પગલે અત્યાર સુધીની કુલ આવક રૂ. 331 કરોડને પાર થઈ છે.
પ્રાપ્ત વિગત મુજબ, આજે વોર્ડ નં.3માં દાણાપીઠ, રેલનગરના શ્રીજી કોમ્પ્લેક્ષમાં એક-એક તથા જામનગર રોડની ગાંધી સોસાયટીમાં 4 મિલકતને સીલ મારવામાં આવ્યા હતા. સામાકાંઠે વોર્ડ નં. 5માં સંતકબીર રોડ, કુવાડવા રોડ, ભગીરથ સોસાયટી, મનહર સોસાયટી, વિસ્તારમાં 6 નળ જોડાણ કાપી નાંખવામાં આવ્યા હતા. વોર્ડ નં.8ના નિર્મલા રોડ પર ગોલ્ડન કલબ-એમાં ગ્રાઉન્ડ ફલોર, રૈયા રોડના સુભાષ કોમ્પ્લેક્ષમાં ગ્રાઉન્ડ ફલોર, ભરત પાન, કાલાવડ રોડના નેપ્ચયુન ટાવરમાં બે દુકાનમાં સીલ કરાઇ હતી. તો 150 ફુટ રોડના ઇસ્કોન મોલમાં બે મિલકત સીલની કાર્યવાહી કરતા ચેક જમા થયો હતો.