રાજકોટ મનપાના ટાઉન પ્લાનિંગ શાખાએ વોર્ડ નંબર 3માં માધાપર અને રેલનગર વિસ્તારમાં દબાણ દૂર કર્યું હતું. જેમાં ટીપી રોડ અને સાર્વજનિક પ્લોટ પર થયેલા 12 મકાન, 1 દીવાલ અને ધાર્મિક સ્થળ સહિતના દબાણો પર બુલડોઝર ફેરવી જગ્યા ખુલ્લી કરાવી હતી.
મનપાના ટાઉન પ્લાનિંગ વિભાગ દ્વારા વોર્ડ નંબર 3ના માધાપરમાં ટીપી સ્કીમ નં.38-1 તાલુકા સ્કૂલવાળા 15 મીટરના ટીપી રોડ પર થયેલા 4 રહેણાક મકાન અને કમ્પાઉન્ડ વોલ સહિતના ગેરકાયદે બાંધકામો તોડી પાડી દબાણ દૂર કરાયા તેમજ ધ સ્પેશ એપાર્ટમેન્ટની પાછળ આવેલા 18 મીટરના ટીપી રોડ પર થયેલા 8 રહેણાક મકાન અને કમ્પાઉન્ડ વોલ સહિતના ગેરકાયદે દબાણો તોડી પાડવામાં આવ્યા હતા.
રેલનગર વિસ્તારના ટીપી સ્કીમ નં.19 સાધુ વાસવાણી કુંજ રોડ પર આવેલા અનામત પ્લોટ પર બાપા સીતારામ મંદિરના ધાર્મિક દબાણને દૂર કરવામાં આવ્યું હતું અને રૂ.30 હજારની 150 ચો.મી. જગ્યા ખુલ્લી કરાવાઇ હતી. જોકે ધાર્મિક દબાણ દૂર કરવા અગાઉ નોટિસ પણ આપવામાં આવી હતી. ત્યાર બાદ મનપાએ તોડી પાડી જગ્યા ખૂલ્લી કરાવી હતી.