રાજકોટ-ભાવનગર હાઈવે પર નદીના પટ પાસે થતી ખુલ્લેઆમ ખનીજચોરી

રાજકોટ-ભાવનગર હાઈવે પર માત્ર ખરાબ રોડ-રસ્તાની જ સમસ્યા છે એવું નથી, પરંતુ અહીં ખુલ્લેઆમ ખનીજચોરી થાય છે અને તેમજ દબાણકર્તાઓએ ગેરકાયદેસર રીતે બાંધકામ પણ કરી લીધું છે.

આમ અધિકારીઓના આંખ આડા કાનને કારણે અને તેની આળસને કારણે ખનીજચોરો અને દબાણકર્તાઓને જાણે મોકળું મેદાન મળી ગયું છે. જો આ પ્રકરણમાં પૂરતી તપાસ કરીને કાર્યવાહી કરવામાં આવે તો અનેક મોટી ખનીજચોરી બહાર આવે તેવી આશંકા આ વિસ્તારમાં રહેતા લોકોએ કરી છે.

આ અંગેની વિગત મુજબ રાજકોટ -ભાવનગર હાઈવે પર રોડની બન્ને બાજુ ડુંગર ખોદી-ખોદીને ખનીજચોરી થઈ રહી છે. આ ખનીજ ચોરી દિવસમાં થઈ રહી છે. અહીં દિવસમાં ખોદકામ થાય છે અને જે રેતી બહાર નીકળે તે ટ્રેક્ટર ભરી-ભરીને લઈ જવામાં આવે છે.તેને બારોબાર વેચી દેવામાં આવે છે.

જોકે તંત્ર દ્વારા કાર્યવાહી નહિ કરાતા ખાણ ખનીજ વિભાગના અધિકારીઓ સામે પણ શંકાની સોય ઉપસી છે. તેઓએ જાણે ખનીજચોરોને મંજૂરી આપી દીધી હોય તેમ તેઓને છૂટો દોર મળી ગયો છે. જ્યારે અનેક દબાણકર્તાઓએ ગેરકાયદેસર રીતે ફાર્મહાઉસ બનાવી લીધા છે.

આમ છતાં આ બાબતથી જિલ્લા પંચાયતના માર્ગ -મકાન વિભાગના અધિકારીઓ અજાણ છે.એટલું જ નહિ આ ફાર્મહાઉસમાં પ્રસંગ અને તહેવારની ઉજવણી થાય છે. ફાર્મહાઉસ નદીના પટમાં ઊભું કરી દેતા આજુબાજુ ખેતર ધરાવતા ખેડૂતોને પણ હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.

ગેરકાયદેસર રીતે દબાણ કરી દેતા લોકોને ફરી-ફરીને જવું પડે છે.જેને કારણે આવન- જાવન માટે પણ લોકોને લાંબો રૂટ થઈ જાય છે. ત્યારે અહીંથી ગેરકાયદેસર રીતે દબાણ દૂર કરવામાં આવે અને ખનીજચોરી બંધ કરાવવામાં આવે તેવી માગણી ઊઠી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *