રાજકોટ-ભાવનગર હાઇવે રૂ.193 કરોડના ખર્ચે રિસર્ફેસ થશે, આગામી સપ્તાહમાં ટેન્ડર

રાજકોટ -ભાવનગર હાઇવે પર આટકોટ સુધીનો માર્ગ અત્યંત બિસ્માર હાલતમાં હોવાથી વાહનચાલકો હાલાકીનો ભોગ બની રહ્યા છે ત્યારે હજુ પણ આગામી ચોમાસા સુધી વાહનચાલકોને અગવડતા ભોગવવી પડશે. માર્ગ અને મકાન વિભાગ દ્વારા સિક્સલેનમાં પરિવર્તિત થનાર રાજકોટ-ભાવનગર હાઈવેને રૂપિયા 193 કરોડના ખર્ચે રિસર્ફેસ કરવા આગામી સપ્તાહમાં ટેન્ડર તરતું મૂકવામાં આવશે. જોકે ટેન્ડર પ્રસિદ્ધ થવા છતાં હાઈવે રિસર્ફેસની કામગીરી ચોમાસા બાદ જ શરૂ થશે.

મહત્ત્વનું છે કે, એક વર્ષ પૂર્વે ભાવનગર હાઈવેને સિક્સલેન બનાવવા જાહેરાત થઇ હોવા છતાં હજુ પણ ગતિશીલ સરકારમાં રોડનો સરવે પણ શરૂ થયો નથી ત્યારે જમીન સંપાદન સહિતની બાબતો જોતા સિક્સલેન પ્રોજેક્ટમાં કમસેકમ ચાર વર્ષનો સમય લાગે તેમ હોવાનું સામે આવ્યું છે. રાજકોટ માર્ગ અને મકાન વિભાગના ડેપ્યુટી ઈજનેર ડાભીના જણાવ્યા મુજબ રાજકોટ -ભાવનગર હાઇવે રિસર્ફેસ પ્રોજેક્ટ માટે આગામી અઠવાડિયામાં ટેન્ડર પ્રસિદ્ધ કરાશે. જોકે રિસર્ફેસિંગની કામગીરી ચોમાસા બાદ શરૂ થશે.

સિક્સલેન પ્રોજેક્ટમાં સરધાર-આટકોટમાં બાયપાસ નીકળશે રાજકોટ-ભાવનગર હાઇવેને સિક્સલેનમાં રૂપાંતર કરવા માટે હજુ સુધી વિધિવત સરવે શરૂ થયો નથી. જોકે ટોટલ સ્ટેશન મશીનથી સરવેની કામગીરી ઝડપથી થતી હોય સરવે બાદ સંબંધિત જિલ્લા કલેક્ટર સમક્ષ માર્ગના નકશા મૂકવામાં આવશે અને જમીન સંપાદનની કાર્યવાહી કરવામાં આવશે. બીજીતરફ સિક્સલેન હાઇવે પર રાજકોટ જિલ્લાના સરધાર અને આટકોટ બન્ને ગામોમાં બાયપાસ બનાવી ટ્રાફિકને સુગમ બનાવવા ડિઝાઇન નક્કી કરવામાં આવી હોવાનું પણ સૂત્રો જણાવી રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *