27 કરોડના ખર્ચે રોડ બનાવવા માટે ચાર મહિના પહેલા 6 એપ્રિલ, 2025ના ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું, પરંતુ હજુ સુધી કામ શરૂ ન થતા વાહનચાલકો અને આસપાસના ગ્રામજનોને અહીંથી પસાર થવામાં પડતી મુશ્કેલીને પગલે ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. રાજકોટ-ભાવનગર હાઇવે ખાડાઓને કારણે બિસ્માર બનતા આજે સરધાર ગામે તાલુકા કોંગ્રેસ પ્રમુખની આગેવાનીમાં રસ્તા રોકો આંદોલન કરવામાં આવ્યું હતું. જેમાં જેમાં ભાજપ હાય હાય તેમજ ભાનુબેન અને પરસોત્તમ રૂપાલા હાય હાયના નારા લગાવવામાં આવ્યા હતા.
રાજકોટ તાલુકા પંચાયત વિપક્ષ નેતા નિશીથ ખૂંટે જણાવ્યું હતું કે, રાજકોટથી ભાવનગર જવા માટેનો રસ્તો ખૂબ જ બિસ્માર બની ગયો છે. રૂપિયા 27 કરોડના ખર્ચે ચાર મહિના પહેલા આ રોડનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું, પરંતુ હજુ સુધી કામ શરૂ થયું નથી. અમદાવાદના નિકોલમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સભા હોય તો માત્ર 48 કલાકમાં જ નવા રસ્તા બની જાય છે તો અહીં આ પ્રકારે રસ્તા કેમ બનતા નથી. વરસાદનું ખોટી રીતે બહાનું આપી કામ શરૂ કરવામાં આવ્યું નથી.