રાજકોટ મહાનગર પાલિકાના 72 ઉમેદવારોના નામની યાદી જાહેર થતા શહેર ભાજપના કાર્યકર્તા આગેવાનોમાં નારાજગી જોવા મળી હતી અને છેલ્લી ઘડીએ ફોર્મ ભરવા પૂર્વે શૈલેષ જાનીના બદલે નેહલ શુકલા ને મેન્ડેડ આપી દેવામાં આવતા નારાજ થયેલા શૈલેષ જાની સહીત એક ડઝન જેટલા કાર્યકર્તાઓને મળી ખુદ પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા દ્વારા અસંતોષ ખાળવા પ્રયાસ કર્યો હતો. રાજકોટ શહેર પ્રમુખ ડો.માધવ દવેના નિવાસ્થાને તમામ નારાજ કાર્યકર્તાને બોલાવી આશ્વાસન આપવામાં આવ્યું હતું અને પાર્ટી તેમની રજુઆત આગામી સમયમાં પણ ધ્યાનમાં લેશે તેવો દિલાસો આપવામાં આવ્યો હતો.
જ્યારે વોર્ડ નં.17ના દાવેદાર વિઠ્ઠલ પટેલે જણાવ્યું કે, મારી ટિકિટ શહેરના આગેવાનો અને પૂર્વ ધારાસભ્ય દ્વારા કાપવામાં આવી છે.
પ્રદેશ ભાજપ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા આજે રાજકોટની મુલાકાતે આવી પહોંચ્યા છે, જ્યાં આજે સવારે રેસકોર્સ બહુમાળી ભવન ખાતે જનસેવા સંકલ્પ સભા સંબોધન બાદ તેઓ શહેર અધ્યક્ષ ડો.માધવ દવેના નિવાસ્થાને પહોંચ્યા હતા જ્યાં તેમને ટિકિટ ફાળવણી બાદ નારાજ થયેલા કાર્યકર્તાને બોલાવ્યા હતા અને તેમની સાથે ચાય પે ચર્ચા કરી હતી અને અસંતોષ ખાળવા પ્રયાસ કર્યો હતો. રાજકોટ શહેર ભાજપ પ્રમુખ ડો.માધવ દવેના નિવાસ્થાને નારાજ થયેલા લગબઝ એક ડઝન જેટલા કાર્યકર્તા ઉપસ્થિત રહ્યા હતા. જેમાં શૈલેષ જાની(યાદીમાં નામ આવ્યા બાદ ટિકિટ કપાઈ), હેમુ પરમાર, નીતિન રામાણી, શૈલેષ ડાંગર, સુરેન્દ્રસિંહ વાળા, ધર્મેન્દ્ર ભગત, સંજય દવે, જીગ્નેશ જોષી સહિતના આગેવાનોનો સમાવેશ થાય છે.