રાજકોટ ભાજપની અસંગઠિત ટીમ પ્રદેશ સંગઠનમાંથી પણ કપાઇ ગઇ

ગુજરાત પ્રદેશ ભાજપની નવી ટીમમાં મહામંત્રી પદ રાજકોટને મળશે તેવો માહોલ રાજ્યભરમાં હતો, પરંતુ શનિવારે મોડીસાંજે પ્રદેશ ભાજપની નવી ટીમ જાહેર થઇ તેમાં રાજકોટનું પત્તું કાપી નખાયું છે. મંત્રીમંડળમાં પણ અનેક ધારાસભ્યો દાવા કરી રહ્યા હતા અને સંગઠનમાં પણ કેટલાક નામો આગળ દોડી રહ્યા હતા, પરંતુ યાદી જાહેર થઇ ત્યારે આગળ દોડતાં ઘોડા ચિત્રમાં ક્યાંય નહીં દેખાતા શહેર ભાજપમાં સોપો પડી ગયો હતો.

પ્રદેશ ભાજપનું નવું માળખું જાહેર થયું જેમાં ચાર મહામંત્રીના નામો જાહેર થયા તેમાં રાજકોટ જિલ્લાના ડો.પ્રશાંત કોરાટનો સમાવેશ કરવામાં આવ્યો છે અને પ્રદેશના મીડિયા ઇન્ચાર્જ તરીકે રાજકોટ શહેરના પ્રશાંત વાળાને સમાવવામાં આવ્યા છે

આ સિવાય યાદીમાં રાજકોટ શહેર કે જિલ્લાના એકપણ આગેવાનનો સમાવેશ થયો નથી. એટલું જ નહીં યુવા મોરચા, મહિલા મોરચા, કિસાન મોરચા, ઓબીસી મોરચા, એસ.સી. મોરચા, એસ.ટી. મોરચા અને લઘુમતી મોરચાના પ્રમુખની 5 જાહેરાત કરવામાં આવી છે અને આ એકપણ મોરચામાં રાજકોટ શહેરનો સમાવેશ નહીં કરી રાજકોટ ભાજપને પ્રદેશે જોરનો ઝટકો આપ્યો છે.

પ્રદેશ મહામંત્રી પદ માટે રાજકોટમાંથી સૌથી આગળ ડો.ભરત બોઘરાનું નામ ચાલતું હતું. આ ઉપરાંત પણ બે નામની પ્રબળ દાવેદારી હતી, પરંતુ યાદી જાહેર થઇ તેણે સૌને ચોંકાવ્યા હતા. ડો.પ્રશાંત કોરાટની નિયુક્તિથી રાજકોટ શહેર ભાજપમાં સોપો પડી ગયો હતો. વિજયભાઇ રૂપાણી મુખ્યમંત્રી હતા ત્યારે રાજકોટ શહેરનો રાજ્યભરમાં દબદબો હતો, પરંતુ તેમના નિધન બાદ શહેર ભાજપની હાલત કફોડી બની છે, દરેક આગેવાન પોતાનું રાજકારણ મજબૂત કરવા પોતાનાને સ્થાન અપાવવા અને પોતાનું સ્થાન મજબૂત કરવા મથી રહ્યા છે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *