રાજકોટ મનપા કચેરીએ મળેલી સંકલન બેઠકમાં ભાજપનાં કોર્પોરેટર નેહલ શુક્લએ સફાઈ અંગે સવાલો ઉઠાવતા સ્ટેન્ડિંગ ચેરમેન જયમીન ઠાકર સાથે શાબ્દિક યુદ્ધ થયું હતું. વોર્ડ નં.7માં કચરો ઉપડતો નહીં હોવાની નેહલ શુકલએ વાત મૂકી હતી અને શું અધિકારીઓના કાઠલા પકડીને કામ કરાવવા? એવું પૂછતા સ્ટે.ચેરમેનને પોતાના માટે વાત કર્યાનું લાગ્યું હતું. જેને પગલે તેમણે સભ્યતાથી વાત કરવાનું કહેતા તડાફડી બોલી હતી. આ તકે નેહલ શુક્લએ મહિલા કોર્પોરેટરોનાં કામ નહીં થતા હોવાનો પણ આરોપ લગાવ્યો હતો. જોકે, શહેર ભાજપ પ્રમુખ મુકેશ દોશીએ બંને વચ્ચેની ગેરસમજ દૂર કરાવતા મામલો થાળે પડ્યો હતો અને દરરોજ એક વોર્ડના બધા કોર્પોરેટરો સાથે મેયર ચેમ્બરમાં અધિકારીઓની બેઠક યોજી અટકેલા કામો કરવાનો નિર્ણય લેવાયો હતો. આ અંગે સ્ટેન્ડિંગ ચેરમેન જયમીન ઠાકરે જણાવ્યું હતું કે, માત્ર સામાન્ય ચર્ચાઓ થઈ હતી. કોઈપણ ઘર્ષણ થયું નથી.
પ્રાપ્ત વિગત મુજબ આજે મળેલી સ્ટેન્ડિંગની બેઠક પૂર્વે ભાજપ પ્રમુખ મુકેશ દોશીની હાજરીમાં સંકલનની બેઠક મળી હતી. જોકે, વધુ એક વખત ભાજપના કોર્પોરેટરોના કામો ધ્યાને ન લેવા, અધિકારીઓ જવાબ ન આપવા સહિતના મામલે સ્ટે.કમિટીના સભ્ય ડો.નેહલ શુકલએ તેમના વોર્ડ નં.7માં સફાઇના કામો યોગ્ય રીતે નહીં થતા હોવાની ફરિયાદ કરી હતી. આ સાથે અધિકારીઓને પકડી પકડીને કામ કરાવવા પડે છે અને પૂરતી સફાઇ થતી નથી એવું ધ્યાન દોર્યુ હતું તેમજ શું અધિકારીઓના કાઠલા પકડીને કામ કરાવવા તે પૂછતા ચેરમેન જયમીન ઠાકરને આ વાત પોતાના માટે કરાયાનું લાગ્યું હતું. જેને લઈને બંને વચ્ચે શાબ્દિક ટપાટપી થઇ હતી. આ સમયે મોટી ધડબડાટી થતા અટકી ગઇ હતી અને પ્રમુખની હાજરીમાં સોંપો પડી ગયા બાદ માંડ મામલો શાંત પડયો હતો.